Home તાજા સમાચાર gujrati ગુજરાત: ભાજપને એના ચાર દાયકા જૂના ગઢ ખાડિયામાં જ કૉંગ્રેસે કઈ રીતે...

ગુજરાત: ભાજપને એના ચાર દાયકા જૂના ગઢ ખાડિયામાં જ કૉંગ્રેસે કઈ રીતે હરાવી દીધો?

15
0

Source : BBC NEWS

ભાજપ ઠક્કર

ઇમેજ સ્રોત, Shukdev Bhachech and Kalpit Bhachech/Birju Thakkar/FB

ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ તો ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે લગભગ દસ હજાર જેટલી બેઠકો માટે ચૂંટણીજંગ ખેલાયો હતો. આ પૈકીની મોટા ભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો, પરંતુ આ મોટી જીત કરતાં એક બેઠક પરની હારની સમગ્ર રાજ્યમાં ઘણી ચર્ચા જામી હતી. આ બેઠક છે, જૂના અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલી ખાડિયા બેઠક. ગુજરાતમાં ઠેરઠેર ‘વિપક્ષનો સફાયો’ કરી નાખનાર ભાજપનાં સૂપડાં ખાડિયા વૉર્ડમાં સાફ થઈ ગયાં હતાં. તેના ચારેય ઉમેદવારે કૉંગ્રેસના ઉમેદવારો સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

કૉંગ્રેસની આખી પૅનલ અહીં વિજેતા રહી હતી.

ભાજપ માટે આ હાર એટલા માટે પણ પચાવવી મુશ્કેલ હતી, કારણ કે ખાડિયા જ એ વિસ્તાર છે, જેને ગુજરાતમાં ભાજપના લગભગ ‘એકચક્રી શાસન’નો ઉગમબિંદુ માનવામાં આવે છે. ચાર દાયકા કરતાં પણ વધુ સમય સુધી ખાડિયા ‘ભાજપનો ગઢ’ રહ્યો.

ભાજપની સ્થાપના પહેલાં, એટલે કે જનસંઘના સમયથી ખાડિયા તેના વરિષ્ઠ નેતાઓ માટે મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ચૂંટણીક્ષેત્ર રહ્યું છે.

1972થી અહીં જનસંઘ અને ભાજપના ઉમેદવારો જ ચૂંટાઈ આવતા હતા, કહેવાય છે કે, ભાજપને જ્યારે ચૂંટણી લડવા માટે કોઈ ગુજરાતમાં ઉમેદવારો નહોતા મળતા ત્યારે પણ પક્ષ ખાડિયામાં તો જીતી જ આવતો. જોકે, મંગળવારનાં પરિણામો બાદ આ સિલસિલો પડી ભાંગ્યો છે.

54 વર્ષથી ભાજપ-જનસંઘની પડખે ઊભા રહેલા ખાડિયાના લોકોએ કૉંગ્રેસને કેમ જિતાડી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ખાડિયા, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Meena Sanjay Nayak/FB

હાલના ચૂંટણીપરિણામોની વાત કરીએ તો ખાડિયા વૉર્ડમાંથી કૉંગ્રેસનાં ઉમેદવાર ધ્રુવ કલાપી, ઇલિયાસ પઠાણ, મીના નાયક અને બીરજુ ઠક્કર ભાજપના ઉમેદવારો સામે જીતી આવ્યાં છે.

બીબીસી ગુજરાતીએ ખાડિયાની જનતાએ કરેલા આ બદલાવનાં કારણોની તપાસ કરવા માટે ખાડિયામાં પરંપરાગતપણે ભાજપના મતદારો રહેલા લોકો સાથે વાત કરી હતી.

ખાડિયામાં આઠ હજારથી વધુ અલગ અલગ ધંધાની દુકાનો આવેલી છે. અહીંના લોકો ખાડિયાનું થઈ રહેલું વેપારીકરણ અને ટ્રાફિકની સમસ્યાને અને અહીંથી લોકોના થઈ રહેલા સ્થળાંતરથી પરેશાન હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, જૂનાં મકાનોને સીલ મારવાની સમસ્યાથી ત્રસ્ત થઈ ખાડીયાના ભાજપના પરંપરાગત મતદારોએ કૉંગ્રેસને મત આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

ભરતભાઈ શાહનો પરિવાર ખાડિયામાં 90 કરતાં વધુ વર્ષથી કરિયાણાની દુકાન ચલાવે છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અહીં જૂનાં મકાનોના રિપૅરિંગ માટે જાતભાતના નવા નિયમો આવતાં લોકો જૂનાં મકાનો કોઈ રિપૅર કરાવી શકતા નહોતા. ઉપરાંત, અહીં જૂનાં મકાનો તૂટી હવે ફ્લૅટ બની રહ્યા છે. બીજી તરફ લોકો મકાન વેચીને ખાડિયા છોડી રહ્યા છે. અહીં અમારા ગ્રાહકો ત્રણ પેઢીથી બંધાયેલા હતા, પણ હવે અમારા ઘણા કાયમી ગ્રાહકો ખાડિયા છોડીને અમદાવાદમાં બીજે રહેવા ગયા છે, તેમ છતાં તેઓ કરિયાણું લેવા તો અહીં જ આવતા. જોકે, હવે ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો અમારી પાસે ખરીદી કરવા આવતા નથી, જેના કારણે ધંધો 60% જેટલો તૂટી ગયો છે, આવક અડધી થઈ ગઈ છે. અનેક રજૂઆતો પછી પણ આ સમસ્યા દૂર ન થતાં ભારે મને ભાજપ સાથે છેડો ફાડવો પડ્યો છે.”

કંઈક આવી જ વાત સ્થાનિક હિના ત્રિવેદી કરે છે. તેઓ ખાડિયામાંથી વધી રહેલા સ્થળાંતર, ટ્રાફિક અને મકાનોમાં ગોડાઉન શરૂ કરવા જેવા મુદ્દા ઉઠાવે છે. “અહીંના લોકો એકબીજાને જોઈને અન્યત્રે સ્થળાંતર કરી ગયા છે, ઘણાં મકાનોમાં હોલસેલના વેપારીઓએ ખરીદી પોતાના ગોડાઉન બનાવી દીધાં છે. તેથી ટ્રાફિક સહિતની સમસ્યા થઈ છે. અમારા જેવા બહુ ઓછા મૂળ ખાડિયાના લોકો હવે અહીં રહે છે.”

ત્રણ પેઢીથી ભગવાનનાં વસ્ત્રોનો વેપાર કરતાં આશુતોષ ભટ્ટનું કહેવું છે કે તેમનું મકાન 150 વર્ષ જૂનું છે. મકાન જૂનું થતાં તેમણે રિપૅર માટે અરજી કરી હતી, પરંતુ હેરિટેજ સિટીના નામે તેમને થોડા સમયમાં મંજૂરી મળશે એવું કહી દેવાયાનો તેમનો દાવો છે.

“બાદમાં અમારા મકાનનો એક ભાગ કૉર્પોરેશને ભયજનક ગણાવી તોડી પાડ્યો, મારું ટુવ્હીલર એ કાટમાળમાં દબાઈ ગયું. અહીં મકાન ભયજનક ગણાવી સીલ મારી દેવાય છે, અમારું કોઈ સાંભળવાવાળું નથી. જેમને અમે ચૂંટીને મોકલ્યા છે, તેઓ પણ અમારી મદદે ન આવે તો વિકલ્પનો વિચાર તો આવે જ ને.”

કંઈક આવી જ સમસ્યા ખાડિયાનાં સોનલબહેન ભટ્ટ પણ ભોગવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેઓ અન્યત્રે નવું મકાન લઈ શકે તેવી સ્થિતિ નથી, અને કૉર્પોરેશને તેમના મકાનને ભયજનક ગણાવી, નોટિસ મારી અને સીલ લગાવી દીધું છે. જેના કારણે તેઓ બીજો દરવાજો ખોલીને મકાનમાં રહેવા મજબૂર છે.

રાજકીય વિશ્લેષક અને રાજકીય પક્ષોનું શું કહેવું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ખાડિયા, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Shukdev Bhachech and Kalpit Bhachech

જાણીતા રાજકીય વિશ્લેષક પ્રફુલ્લ ત્રિવેદીએ ખાડિયામાં ભાજપની હારનાં કારણોની છણાવટ કરતાં કહ્યું, “ખાડિયામાં મકાન સીલ કરવાની કાર્યવાહી, ટ્રાફિકની સમસ્યા, વેપાર-ધંધા પર પડતી અવળી અસર અને અન્ય કોમના વધતા વર્ચસ્વનો દુષ્પ્રયાર વગેરે મોટા મુદ્દા હતા. ઉપરાંત એસઆઇઆરની પ્રક્રિયા બાદ ખાડિયામાંથી 23 હજાર મતદારો ઘટ્યા છે, જેના કારણે ભાજપનો આ ગઢ ભાંગ્યો છે.”

પાછલાં 30 વર્ષથી અમદાવાદના અગ્રણી અખબારોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનનું રિપોર્ટિંગ કરતા વરિષ્ઠ પત્રકાર પ્રકાશ રાવલ પોતાનું વિશ્લેષણ જણાવતાં કહે છે કે, “આ વખતે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ખાડિયાને ગઢ ગણીને ભાજપે જે ઉમેદવારો ઊભા રાખ્યા એ લોકોએ સ્થાનિક સમસ્યાને બાજુએ મૂકી સ્થળાંતરને લીધે ‘ખાડિયા પાકિસ્તાન બની જશે’ એવો દુષ્પ્રચાર કર્યો, જેને મતદારોએ જાકારો આપ્યો. કારણકે ખાડિયામાંથી પ્રાથમિક સુવિધાના અભાવ અને મકાનો સસ્તામાં વેચાઈને ગોડાઉન બનતાં ઊભી થયેલી સમસ્યા ત્યાંના દરેક ઘર-રસોડા સુધી પહોંચી છે, એટલે આ આશ્ચર્યજનક પરિણામ આવ્યું છે.”

ખાડીયાના પ્રભારી અને કૉંગ્રેસના નેતા જગત શુક્લે કહ્યું કે આ વખતે પક્ષ ચૂંટણીમાં એક જ નારા સાથે ઊતર્યો હતો, ‘ખાડિયાને ખાલી થતું બચાવો.’

“આ વાત લોકોને સ્પર્શી ગઈ. આ ઉપરાતં અહીં મુખ્ય સમસ્યા વેપારીકરણ, ટ્રાફિક અને તેના લીધે ધંધા-રોજગાર પર પડતી અસરો, જૂનાં મકાનોને સીલ મારવાની કાર્યવાહી વગેરેની હતી. અમે આ મુદ્દા પર ફોક્સ કર્યું, જેનું પરિણામ મળ્યું છે, આગામી દિવસોમાં અમે આ સમસ્યાઓના નિરાકરણ માટે કામે લાગી જઈશું.”

ભાજપના પ્રવક્તા અશ્વિન બૅન્કરે કહ્યું કે, “ખાડિયામાંથી લોકોનું સ્થળાંતર વધુ થયું છે, એટલે આ વખતે ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામ આવ્યાં છે. પ્રજાનો ચુકાદો અમે સ્વીકારીએ છીએ, સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાયો છે ત્યારે ખાડિયાના પરિણામનો અમે તલસ્પર્શી અભ્યાસ કરી રહ્યા છીએ.”

ભાજપ માટે ખાડિયાનું રાજકીય મહત્ત્વ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ખાડિયા, ભાજપ, કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Shukdev Bhachech and Kalpit Bhachech

જનસંઘના સમયથી ખાડિયા ભાજપની ‘કર્મભૂમિ’ રહ્યું છે, અહીં ગુજરાતમાં ભાજપનું પ્રથમ કાર્યાલય સ્થપાયું હતું, જેનો જીર્ણોદ્ધાર થયા બાદ એ વસંતકુંજ તરીકે ઓળખાવામાં આવે છે.

ખાડિયામાં ભાજપનું કાર્યાલય ખાડિયામાં બન્યું ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય નેતા અટલ બિહારી વાજપેયી પણ અહીં સભા સંબોધી ચુક્યા છે.

કેટલાક જાણકારો ખાડિયાને ‘આંદોલનની ધરતી’ પણ ગણાવે છે.

વર્ષ 1987માં ભાજપ પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન જીત્યો ત્યારે ખાડિયાના કરિયાણા વેપારી જયેન્દ્ર પંડિતને મેયર બનાવાયા હતા.

ખાડિયાને ભાજપનો ગઢ બનાવવા માટે અહીંથી સતત આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અશોક ભટ્ટનો મોટો ફાળો હોવાનું મનાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS