Home તાજા સમાચાર gujrati ગુજરાત બન્યાના સાડા છ દાયકા પછી ગુજરાતની અસ્મિતા આજે ક્યાં આવીને ઊભી...

ગુજરાત બન્યાના સાડા છ દાયકા પછી ગુજરાતની અસ્મિતા આજે ક્યાં આવીને ઊભી છે?

13
0

Source : BBC NEWS

ગુજરાતની અસ્મિતા

ઇમેજ સ્રોત, Getty/Guj. sahitya parishad/Sukhdev Bhachech

“દેહ પર એકમાત્ર પોતડી પહેરેલી, તદ્દન સૂકું શરીર, કાળો કીટોડા જેવો વર્ણ, મોંમા દાંત નહીં, અને ખૂબ ઘરડો.”

વ્યારાના આદિવાસી અમરસંગ ગામિતને જ્યારે રવિશંકર મહારાજે જોયા ત્યારે તેઓ બે ઘડી અવાક્ રહી ગયા હતા. અમરસંગે ગુરૂકુળ માટે વાર્ષિક 125 મણ ભાત નોંધાવ્યા એ સાંભળીને મહારાજ તેમને મળવા પહોંચ્યા હતા. તેમને હતું કે આ સમયમાં આવો તો દાનવીર કોણ છે?

પરંતુ જાણવા મળ્યું કે એ કોઈ અમીર ઘરનો દાનવીર નથી, પણ સામાન્ય આદિવાસી છે. અમરસંગના મા-બાપ અન્નક્ષેત્ર ચલાવતા અને પછી અમરસંગે એ પોતાનું કર્તવ્ય સમજીને ચાલું રાખ્યું. તેમને ત્યાં અનાજના દાણા ઘરમાં ભરવાનો રિવાજ નહીં અને છપ્પનિયો દુકાળ આવ્યો. અમરસંગના છોકરાએ કહ્યું કે, “બાપા, દાણા સંતાડી દઈએ, લોકો ખાવા લઈ જશે.”

તો આ વિશાળ દિલના અમરસંગે કહ્યું કે, “ખાવા માટે તો દાણા છે, દાણાનો બીજો શો ખપ છે? ખાવા દેને જેટલા ખાવા હોય એટલા.”

પણ પછી એક દિવસ એવું થયું કે ઘરમાં ખાલી એક ટંક ચાલે તેટલા વાલ રહ્યા. વાલ ઓરવાને ઘડીની વાર હતી ત્યાં ખબર પડી કે પાસેનાં જંગલમાં ચાર ફકીર આવ્યા છે. અમરસંગે આ વાલ ચાર ફકીરોને આપી દીધાં. એ દિવસે અમરસંગનો પરિવાર ભૂખ્યો સૂઈ ગયો. પણ થયું એવું કે ફકીરો વરસાદને લીધે રોકાયા અને પરિવાર વિમાસણમાં મુકાયો કે તેમને સવારે ખાવા શું આપીશું?

અમરસંગના છોકરાઓએ કહ્યું કે, “બાપા, દાણા માગી લાવીએ.” એક શેઠને ત્યાંથી દાણા મળ્યા અને ગાડું ભર્યું, પણ દાણા ઉછીના લીધા છે તો બદલામાં હું શેઠનું કામ કરવા રોકાઉં એમ અમરસંગને લાગ્યું. તેમણે નક્કી કર્યું કે દાણા પાછા ન આપું ત્યાં સુધી ઘરે ન જાઉં. તો વળી શેઠે કહ્યું કે, “મેં ક્યાં તમને દાણા ઉછીના આપ્યા છે. મારાથી તમારી પાસે કામ કરાવાય? તમે તો બધાંને બહુ આપ્યું છે.”

હાડપિંજર જેવા સૂકલકડી, પોતડી પહેરીને રહેતા ગુજરાતના આ છેવાડાના આદિવાસી પોતાને ખપ પૂરતું અનાજ તો ખાલી બે-ત્રણ વીઘામાંથી ઉગાડી લેતા. પરંતુ તોય એ જમીન વધારતા જતા, અને એમાંથી જે અનાજ ઊગતું એ ગરીબોને આપી દેતા.

આ તો ‘માણસાઈના દીવા’ સમાન એક દાખલો છે, પરંતુ ગુજરાતના ખૂણે ખૂણે આવી નિ:સ્વાર્થભાવે થતી સેવાના આપણે સદીઓથી સાક્ષી રહ્યા છીએ. આજથી 66 વર્ષ પહેલાં જેમના હાથે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એવા રવિશંકર મહારાજના- ‘ઘસાઈને ઊજળા થઈએ, બીજાંને ખપમાં આવીએ’ એ રસ્તે જાણે કે ‘ગુજરાતની અસ્મિતા’ની ઝલક વારંવાર મળતી રહે છે.

પરંતુ સદીઓથી ગુજરાતે જોયેલા અનેક ચઢાવ-ઉતારમાં ગુજરાત, ગુજરાતના લોકો અને ‘ગુજરાતની અસ્મિતા’માં ઘણા બદલાવો આવ્યા છે. આજે જ્યારે એક રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યાને 66 વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે આ સાડા છ દાયકામાં ‘ગુજરાતની અસ્મિતા’નું સ્વરૂપ ઘણું બદલાયું છે, મૂલ્યોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ગુજરાત રાજ્યના સ્થાપનાદિન નિમિત્તે અમે જાહેરજીવનના મર્મીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી અને આ પરિવર્તનને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

‘ગુજરાતની અસ્મિતા’ અને મુનશી

‘અસ્મિતા’ શબ્દને ‘ગુજરાત’ સાથે જોડીને તેના ઉપયોગને વધુ વ્યાપક અર્થ આપવાનો શ્રેય કનૈયાલાલ મુનશીને ફાળે જાય છે. તેમણે લખ્યું છે એ અનુસાર ‘અસ્મિતા’ શબ્દને તેઓ 1913-14માં યોગસૂત્રમાંથી ઉપયોગમાં લાવ્યા.

‘અસ્મિતા’ શબ્દનો સામાન્ય અર્થ ‘ગૌરવ’ એવો થાય છે, અને તેને ‘ગુજરાતની અસ્મિતા’ એમ પ્રયોજીને ગુજરાતના ગૌરવ સાથે જોડવામાં આવે છે.

મુનશીએ ગુજરાતીઓની સામાન્ય ઓળખ આપતા એકવાર તેમના પુસ્તક ‘ગુજરાતની અસ્મિતા’માં લખેલું કે, “ગુજરાતી એટલે મોજીલો, શોખીલો, પાન ચાવતો, ગપાટા હાંકતો, ફક્કડ કે કસરિયો, પેટે પાટા બાંધીને જંઈ ભેગા કરતો સ્વાર્થી વેપારી. એના અંતરમાં આદર્શ નામ માત્ર અને એની બુદ્ધિમાં સર્વગ્રાહિત્વ કરતાં વ્યાવહારિકતા વધારે. એના પૂર્વજોના રૂધિરે ચૈતન્યો અને શંકરો સર્જાયેલા નહીં. એના કીર્તિપટ પર શિવાજીની, પ્રતાપની કે રણજીતની છાંય સરખી નહીં. એ પૈસા બનાવે, સંઘરે કે ખર્ચે, શ્રીનાથજી કે પાલિતાણામાં પથ્થર સીંચે, બહુ થાય તો હરિકીર્તન કરે ને અલી ને અલીનાં છૈયાં માટે વારસો મૂકી જાય…”

સલિલ ત્રિપાઠી,  ગુજરાતની અસ્મિતા

ઇમેજ સ્રોત, Salil Tripathi/FB

મુનશીએ લખ્યું છે તેમ તેમણે 1913-14થી આ શબ્દને પોષે તેની સામગ્રી રચવાનો પ્રયત્ન કર્યો અને એ શોધવાનો પ્રયત્ન કર્યો કે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના કરીએ છીએ?

તેમણે લખ્યું કે, “જન્મે ગુજરાતી હોવાથી, ગુજરાતી બોલવાથી, સંસ્કાર ગુજરાતી છે એમ કહેવાથી આપણામાં ‘ગુજરાતી અસ્મિતા’ આવતી નથી.”

મુનશીનાં નવલકથા શૈલીમાં લખાયેલાં આ લખાણો ખૂબ વંચાયાં જેમાં ‘ગુજરાતની અસ્મિતા’ને વ્યાખ્યાયિત કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે.

તેમણે ‘ગુજરાતની અસ્મિતા’ ને રાષ્ટ્રીય અસ્મિતાથી અલગ ‘પ્રાંતિક અસ્મિતા’ તરીકે ઓળખ આપી. તેમણે શૌર્ય, આત્મસન્માન, ગૌરવ, મહિલાઓનું સન્માનને ગુજરાતની ઓળખ તરીકે નવેસરથી વ્યાખ્યાયિત કર્યા અને ઇતિહાસ તથા પૌરાણિક પરંપરાઓનું સાતત્ય જાળવવા જેવી બાબતો પર ભાર મૂક્યો.

જોકે, ઘણા વિવેચકો મુનશીની અસ્મિતાને ઊંચી જાતિની, ભદ્ર વર્ગની, હિન્દુ અસ્મિતા ગણાવીને ટીકા કરતા હોય છે.

ગાંધીજીએ તેમનાથી ઘણાં અલગ એવાં મૂલ્યો ‘અહિંસા’, તથા ગૌરવને બદલે નૈતિક શુદ્ધતા પર ભાર મૂક્યો અને ગુજરાતને ઘણો જ અલગ રસ્તો દેખાડ્યો. અસ્મિતાને આગળ જતાં નેતાઓએ ‘રાજકીય રંગ’ પણ ચઢાવ્યો અને તેનું સ્વરૂપ બદલાતું ગયું.

‘ગુજરાતની અસ્મિતા’ એટલે શું?

ગુલામ મોહમ્મદ શેખ, ગુજરાતની અસ્મિતા

લેખક અને માનવાધિકાર કાર્યકર્તા સલિલ ત્રિપાઠી કહે છે, “અસ્મિતા એ બહુ અઘરો શબ્દ છે. હું કોણ છું? એની સમજ, એ પરથી આપણે કોણ? આપણા જગતમાં આપણું સ્થાન શું, એની સમજ. એમાંથી સમાજની વિસ્તૃત સમજ મળે ત્યાં સુધી પહોંચવાની યાત્રા એટલે અસ્મિતા. પરંતુ જ્યારે આ ‘હુંપણું’ એ સ્વાભિમાનથી, અહંકાર-ઘમંડ સુધીની યાત્રા ખેડે ત્યારે ખરી અસ્મિતાનું સ્વરૂપ બદલાઈ જાય છે અને એ આપણા માટે નકારાત્મક નીવડે છે. “

વિશ્વવિખ્યાત ચિત્રકાર અને કવિ ગુલામ મોહમ્મદ શેખના મતે ગુજરાતની અસ્મિતા એટલે ગુજરાતનો એ ઐતિહાસિક પરિવેશ છે, જેમાં એકસાથે અનેક પરંપરાઓ જન્મી અને ફૂલીફાલી.

તેઓ કહે છે, “આ પરંપરાઓને જાળવી રાખવાનું કામ ગુજરાતમાં થયું. કળા,સ્થાપત્ય વગેરેમાં ગુજરાતનું મોટું પ્રદાન રહ્યું. એક કલાકાર તરીકે હું કહું તો આ બધું એ આપણી અસ્મિતાનો ખૂબ મોટો વારસો છે.”

જાણીતા લેખક અને વિચારક ચંદુ મહેરિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “અસ્મિતાનો શાબ્દિક અર્થ તો પોતાપણું એવો થાય, પરંતુ આ પોતાપણું ગુજરાતના પ્રત્યેક ગુજરાતી માટે હોય છે કે પછી દરેકનું પોતાપણું કે અસ્મિતા જુદાં-જુદાં હોય છે? આપણે ત્યાં દલિતોની અસ્મિતા, રાજપૂતોની અસ્મિતા એવા શબ્દો પ્રયોજાય છે, તેનો અર્થ એ કે દલિતોની અસ્મિતા કે આદિવાસીઓની અસ્મિતા એ જુદી વસ્તુ છે. એક ગુજરાતમાં અનેક ગુજરાત વસે છે.”

તો કવિ અને સંપાદક કાનજી પટેલનું કહેવું છે કે, “સર્જનાત્મકતા, પ્રજાની શક્તિ, જ્ઞાન અને ભૌતિક ઉત્પાદન એ અસ્મિતા પર આધારિત છે. અસ્મિતા એ જડ વસ્તુ નથી, તેમાં અનેકતા, પ્રવાહિતા રહેલી છે. તેમાં દાયકાઓ, સદીઓમાં પરિવર્તન થતું હોય છે તો ક્યારેક રાતોરાત તેમાં મોટાં પરિવર્તનો થતાં હોય છે.”

“ગુજરાત એ અનેકતાનો પર્યાય છે, એક એવી કુલડી છે જેમાં બધાં જ પ્રકારનાં રસાયણો ઊકળે છે. ગુજરાતની ઓળખ એવા પ્રદેશની હતી જેમાં સૌ લોકો આવીને ઠરીઠામ થયાં. આ સૌ લોકોથી નિર્માણ પામેલી પ્લુરલિટી (અનેકતા) એ જ ગુજરાતની ઓળખ કે અસ્મિતા છે.”

ગુજરાત હાલ ક્યાં પહોંચ્યું?

રિટા કોઠારી, ગુજરાતની અસ્મિતા

ઇમેજ સ્રોત, Rita Kothari/FB

સલિલ ત્રિપાઠી કહે છે, “પાછલા દાયકાઓ તરફ નજર કરીએ તો ગુજરાતની પ્રજા ઘણી સમૃદ્ધ થઈ, શહેરોનો વિકાસ ખૂબ થયો પરંતુ કેટલાક સવાલો એવા છે જે દર્શાવે છે કે આપણે ત્યાં હજુ કંઈક ખૂટે છે અથવા તો આપણે ખોટા રસ્તે છીએ. જેમ કે ગુજરાત એટલું જ સમૃદ્ધ છે તો અમેરિકા, કૅનેડામાં જવા માટે મૃત્યુ થઈ જાય એટલી હદ સુધી દોટ લગાવનારા પણ આપણે જ છીએ.”

તેઓ કહે છે, “આપણને કળા, લલિતકળામાં છેલ્લા છ દાયકામાં ઘણા ઉત્કૃષ્ટ લોકો મળ્યા, પરંતુ સાહિત્ય નબળું પડતું ગયું. સારાં પુસ્તકો છપાવાની સંખ્યા ઘટી, સારાં નાટકો થવાનાં ઓછાં થયાં. મરાઠી, બંગાળીમાં અર્વાચીન સાહિત્ય ઘણું આગળ વધ્યું, પરંતુ આપણે ત્યાં એ એટલું આગળ નથી વધી શક્યું. એ રીતે સંસ્કૃતિને મોટી ખોટ પડી છે.”

ગુલામ મોહમ્મદ શેખ કહે છે, “આપણો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ પણ ઓછો થયો છે અને તેનાથી આપણે દૂર થતાં જઈએ છીએ, જે સૌથી મોટી કરૂણ ઘટના છે. ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, લોકો ભણતા થયા છે પરંતુ સ્ત્રીઓનું ભણતર, તેમનું સન્માન, આપણી સ્ત્રીઓ પ્રત્યેની દૃષ્ટિમાં કોઈ મોટો બદલાવ થયો નથી.”

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત ડૉ. આનંદ વસાવા આદિવાસીઓ અને છેવાડાનાં લોકો વિશે વાત કરતાં કહે છે કે, “એવું કહેવું અન્યાય કહેવાશે કે આદિવાસીઓ શિક્ષિત નથી, કે તેમણે વિકાસ નથી કર્યો. પરંતુ સાડા છ દાયકાના ગુજરાતને જોઈએ તો આ બહુ અસંતુલિત વિકાસ છે. આજે પણ મોટો વર્ગ એવો છે જ્યાં વિકાસનાં ફળો પહોંચ્યાં નથી. માનવઉત્કર્ષ થાય એવું શિક્ષણ સૌને મળતું નથી. ગુજરાત બન્યાનાં આટલાં વર્ષો પછી ખરેખર રાજી થવાય એવું નહીં, પરંતુ હતાશા થાય એવી સ્થિતિ છે.”

સમાજસેવી અને વિચરતી વિમુક્ત જનજાતિઓ માટે કામ કરતાં મિત્તલ પટેલ કહે છે, “આપણી સૌથી મોટી ઓળખ ભાષા છે. આજે મને સૌથી વધારે ચિંતા જો થતી હોય તો એ ગુજરાતી ભાષાની છે. આજે ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા નહીં, પરંતુ દ્વિતીય ભાષા બની ગઈ હોય એવું લાગે છે.”

તેઓ કહે છે કે, “એમાં કોઈ શંકા નથી કે ગુજરાતનો વિકાસ ખૂબ સારો થઈ રહ્યો છે. ગુજરાતના વિકાસમાં જો કદાચ સરકારનો મોટો ફાળો હશે, તો એટલો જ ફાળો ગુજરાતના લોકોનો છે. એમની આપવાની વૃત્તિ, દાન-પરોપકારની વૃત્તિ એ સૌથી મોટી તાકાત છે. આવાં મૂલ્યો આપણી મોટી ઓળખ છે, અને એ હજુ સુધી ટકી રહ્યાં છે.”

‘વિરોધાભાસી અને ભેદભાવભર્યો’ ગુજરાતી સમાજ?

આનંદ વસાવા, ગુજરાતની અસ્મિતા

ગુજરાતના સમાજ, મૂલ્યોમાં આવેલા બદલાવો વિશે ગુલામ મોહમ્મદ શેખનું કહેવું છે કે આપણે આ વિશે વાત કરવાનું સામાન્ય રીતે ટાળીએ છીએ.

તેઓ કહે છે, “ગુજરાતમાં સમાજસુધારકોએ જે સુધારા કરવાની કોશિશ કરી એમાં મોટી સફળતા મળી નથી, અને ખરાબ પરંપરાઓ એક કે બીજા રૂપે ચાલુ રહી છે.”

“મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની આ અસ્મિતામાં મુસ્લિમો અને દલિતોનું સ્થાન નથી. આપણે એમની બાદબાકી કરી નાખી છે. દુર્ભાગ્યવશ એમની સાથે જોડાયેલો ઇતિહાસ પણ નવેસરથી લખાઈ રહ્યો છે. આદિવાસીઓ તો એમાં ક્યાંય દેખાતા પણ નથી.”

પ્રો. આનંદ વસાવા કહે છે, “આજે પણ ગુજરાતની અસ્મિતા એટલે ગુજરાતના ગણ્યા-ગાંઠ્યા પ્રભાવક સમુદાયો, મુઠ્ઠીભર લોકોની જીવનનીતિ અને એમની પરંપરાઓની વાત.”

તેઓ કહે છે, “પ્રભાવી લોકો, આર્થિક સામ્રાજ્ય ધરાવતા લોકો એવું કહે છે કે ગુજરાત એ શાકાહારી રાજ્ય છે. પરંતુ એમ કહેવાથી એવું સાબિત થઈ જતું નથી. આદિવાસીઓ શાકાહારી નથી. સવા કરોડ જેટલા આદિવાસીઓને બાદ કરીને ગુજરાતની અસ્મિતાની વાત ન કરી શકાય. આદિવાસીઓની આગવી ઓળખ છે, સંસ્કૃતિ છે. જ્યારે ગુજરાતની અસ્મિતાની વાત કરવામાં ત્યારે આ ભાતીગળ અસ્મિતાની વાત ખાસ થવી જોઈએ. તેમના પર બીજી અસ્મિતા થોપી દેવી એ તેમની સાથે અન્યાય છે.”

“શું આદિવાસીઓની ભાષા વસાવી છે, પણ ગુજરાતી નથી એ વાતને તમે સ્વીકારો? આપણે એ સ્વીકારવું જોઈએ કે આ પ્રકારની અલગ ઓળખ, પરંપરાઓથી જ ગુજરાતની અસ્મિતા બની છે.”

મિત્તલ પટેલ, ગુજરાતની અસ્મિતા

ઇમેજ સ્રોત, Mittal Patel/FB

ચંદુ મહેરિયા આ વાતને જરા અલગ રીતે સમજાવે છે.

તેઓ કહે છે, “એક ગુજરાત ‘ખાસ ગુજરાત’ છે અને બીજું ‘આમ ગુજરાત’ છે. ‘આમ ગુજરાત’ની અસ્મિતા અલગ છે. ઉદાહરણ તરીકે અમદાવાદના કોટ વિસ્તારમાં રથયાત્રા વખતે હુલ્લડ થાય અને ત્યાં હિંસા અને ડરનો માહોલ હોય, ત્યાં કર્ફ્યૂ હોય, એ જ સમયે પશ્ચિમ અમદાવાદમાં લોકો આરામથી બેસીને આઇસક્રીમ ખાતાં હોય એ અલગ-અલગ ગુજરાતની ઝાંખી કરાવે છે.”

ચંદુભાઈ કહે છે, “ગુજરાતની અસ્મિતા એટલે ગરબા કે ઢોકળાં એવું નથી. ગુજરાતના મુખ્યધારાની અસ્મિતામાં દલિત, આદિવાસીનો સમાવેશ થયો હોત, તો તેની અલગ ઓળખની જરૂર જ કેમ પડી હોત? તો આપણે ત્યાં દલિત સાહિત્ય, દલિત રાજકારણ અલગથી નિર્માણ પામ્યું જ ન હોત. ગુજરાતની અસ્મિતાની વાત કરતી વખતે દલિતો, આદિવાસીઓની અસ્મિતા ભૂંસી નાખવામાં આવે છે.”

મિત્તલ પટેલ પણ આ વાત સાથે સહમત થાય છે.

તેઓ કહે છે, “આજે આપણે વિકસિત થયાં, લોકો વચ્ચેનું ભૌતિક અંતર ઘટી ગયું, પણ મનનાં અંતરો વધી ગયાં. આજે પણ અમદાવાદની સારી સોસાયટીમાં નોકરો, કામદારોને જવા માટેની લિફ્ટ અલગ હોય છે. મકાન લેતી વખતે લોકો નૅમપ્લૅટ પર અટક વાંચે છે. વર્ગભેદ તો આપણા સમાજમાં હતો, પણ આજે એ અલગ સ્વરૂપે વધ્યો હોય એવું લાગે છે.”

અશોકા યુનિવર્સિટીમાં પ્રોફેસર અને સમાજશાસ્ત્રી ડૉ. રિટા કોઠારી કહે છે કે, “ગુજરાત એવું ક્ષેત્ર છે જ્યાં ખારવાઓ પણ હોય, આદિવાસી પણ હોય, ખોજા-મેમણ પણ હોય, દલિતો પણ હોય, જૈન વાણિયાઓ પણ હોય. ગુજરાત એક બહુસાંસ્કૃતિક, બહુધાર્મિક રાજ્ય છે અને એ જ એની અસ્મિતા છે. પરંતુ મુખ્યધારાના ગુજરાતીઓ એ વાતમાં માનતા નથી.”

તેઓ કહે છે, “ગુજરાતની સમૃદ્ધિ, ઇન્ફાસ્ટ્રક્ચર બધું આજે ઘણુંય આગળ પહોંચ્યું છે. પરંતુ વિચારોમાં હજુ ગુજરાત બહુસાંસ્કૃતિક કે સમાવેશી નથી. હું માનું છું કે આજના ગુજરાતને તેની પાસે આ ગુણો છે એવો ખ્યાલ જ નથી. ગુજરાતના શહેરી લોકો એ વાતને સમજી નથી શકતા કે તેમની આજુબાજુ બીજા કયા લોકો રહે છે અને તેમની સંસ્કૃતિ શું છે. ગુજરાતી સમાજ કલ્પનાકથાઓમાં જીવે છે.”

‘ગુજરાતના સમાજજીવનમાં મૂલ્યોની ઓટ’

ચંદુ મહેરિયા, ગુજરાતી અસ્મિતા

ઇમેજ સ્રોત, Chandu Maheria/FB

લેખક સલિલ ત્રિપાઠીનું માનવું છે કે ગુજરાતી સમાજમાં છેલ્લા છ-સાત દાયકામાં ઘણા નકારાત્મક બદલાવો આવ્યા છે.

તેઓ કહે છે કે, “તુચ્છતાથી બીજા સમુદાયો, સમાજની વાતો કરવી એ આપણે ત્યાં સ્વીકાર્ય થઈ ગયું છે. હવે આપણે એવું કરવામાં શરમ અનુભવતા નથી. આપણે ત્યાં વર્ગવિગ્રહ વધ્યો છે. જેમ કે, નોનવેજ સામે આપણે ખુલીને અહંકારભર્યા નિયમો બનાવીએ છીએ, જે ગુજરાતની અસ્મિતા, ‘જીવો અને જીવવા દો’ના મંત્રને ચરિતાર્થ કરતાં નથી.”

સલિલ ત્રિપાઠી કહે છે, “આપણું ઉદારતાપણું એ મંદિરોમાં, પાંજરાપોળમાં દાન સુધી સીમિત થઈ ગયું છે અને એ શિક્ષણ, કળા પાછળ જવાનું ઓછું થઈ ગયું છે. જે કળા-શિક્ષણ સંસ્થાઓ સારાભાઈએ ગુજરાતને આપી એવી હવે આપણે કેમ બનાવી શકતા નથી? આપણે ગાંધીજી, રવિશંકર મહારાજ, ઠક્કરબાપા અને સરદાર પટેલનો રસ્તો ભૂલી ગયા છીએ એવું પ્રતીત થાય છે.”

ગુલામ મોહમ્મદ શેખનું માનવું છે કે મૂલ્યોની સાચવણી એ કાયમથી આપણી સામે મોટો પડકાર રહ્યો છે.

તેઓ કહે છે કે, “મૂલ્યોનો ચારેકોર હ્રાસ થઈ રહ્યો છે. ગાંધીજીની આપણા ગુજરાતી સમાજમાં પ્રાસંગિકતા લગભગ નહીંવત્ થઈ ગઈ છે.”

પ્રો. આનંદ વસાવા કહે છે, “ગુજરાતનાં સમાજમાં જે આતિથ્ય, ભાઈચારો, સર્વસમાવેશકતાનાં મૂલ્યો હતાં, એ આજે ઘસાવાં લાગ્યાં છે એવું પ્રતીત થાય છે. આજની હકીકત એ છે કે આપણે વધુને વધુ જાતિગત અને ધાર્મિક રીતે રૂઢિચુસ્ત થતાં જઈએ છીએ. આપણે કેવો સમાજ સર્જ્યો છે તે આજે આપણે વિચારવું જોઈએ.”

ચંદુ મહેરિયા કહે છે, “આજે આપણે મૂલ્યોની, સિદ્ધાંતોની વાત કરીએ તો લોકો હસવા માંડે છે, આપણને જડ ગણાવે છે. ગુજરાતી સમાજમાં મૂલ્યો બદલાયાં છે, નવાં મૂલ્યો સ્થપાયાં છે, પણ પુરાતન-જડ વાતો પણ એમની એમ છે. જેમ કે, બાળલગ્નો ઓછાં થયાં તો સામે છૂટાછેડાંનું પ્રમાણ આપણે ત્યાં વધ્યું. આપણે ત્યાં શિક્ષણ વધ્યું, પણ શું શિક્ષણ સમાનતા કે ભેદભાવ લાવી શક્યું?”

“જે ગુજરાતી સમાજ આટલો પિતૃસત્તાત્મક હોય, ભ્રૂણહત્યાઓ થતી હોય, આંતરજ્ઞાતિય લગ્નો બાબતે વિવાદ થતો હોય એ જ ગુજરાતી સમાજમાં આપણે કરૂણા, અસ્મિતાની વાત કરીએ તો કેવું લાગે? “

મિત્તલ પટેલ કહે છે, “ગુજરાતની સંયુક્ત કુટુંબોની પરંપરા, પોળ-શેરી પરંપરાઓ આજે વિસરાઈ ગઈ છે. શહેરીકરણને કારણે તેમાં માઠી અસર થઈ છે. પ્રભાતફેરી કાઢવી, કીડિયારું પૂરવું જેવી આપણી મૂળ ગુજરાતી સંસ્કૃતિની ઓળખો ભૂંસાઈ રહી છે. કદાચ આપણે વિકાસમાં દેશમાં નં.1 બની જઈશું, પરંતુ આપણું મૂળ, આપણી સંસ્કૃતિ આપણાથી છૂટી જશે એવું મને લાગે છે.”

કાનજી પટેલ કહે છે, “આજે ગુજરાતના લોકોને અનેક કારણોસર નિંદા સહન કરવી પડી રહી છે. અન્ય પ્રદેશોના લોકો તેની ટીકા કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણે ગાંધીને અને તેનાં મૂલ્યોને ખોયાં.”

અસ્મિતા સામે સવાલો, માર્ગ અને પથદર્શકો

કાનજી પટેલ, ગુજરાતની અસ્મિતા

કાનજી પટેલ સમજાવતાં કહે છે કે, “ગુજરાતમાં અનેક સંસ્કૃતિ સામેલ છે. ગુજરાતમાં બહુમતી લોકો ગુજરાતી સિવાયની ભાષા બોલે છે. આદિવાસીઓની, દલિતોની, મુસ્લિમોની, કચ્છનાં લોકોની અલગ-અલગ ભાષા છે. તેમની જીવનશૈલી, સંસ્કૃતિ, આપણાંથી અલગ છે અને આપણે તેમને બળજબરીથી કહીએ છીએ કે તમે ગુજરાતી છો. આપણે એ સમજવાની જરૂર છે કે શહેરી લોકોની અસ્મિતા એ સાચી અસ્મિતા નથી.”

તેઓ કહે છે, “કનૈયાલાલ મુનશી, હેમચંદ્રાચાર્ય જેવા લોકોએ તેમના સમયમાં લખ્યું અને તેનાથી આપણને જાણવા મળ્યું. પરંતુ મુનશીએ શહેરી પાત્રોથી ગુજરાતીપણું દેખાડ્યું. તેમણે લિખિત લોકોની અસ્મિતા વ્યાખ્યાયિત કરી. પરંતુ અનેક બોલીઓમાં કોઈ લિખિત સાહિત્ય હોતું નથી, મૌખિક પરંપરા હોય છે. આપણે એ અસ્મિતાને ભૂલી ગયાં, ગ્રામીણ અસ્મિતા ભૂલાઈ ગઈ.”

“ગુજરાતી અસ્મિતા તો આપણને ગાંધીએ બતાવી એ છે. તેમાં ગુજરાતીપણું પણ છે અને વૈશ્વિકતા પણ છે. ઉત્તમ માનવ, ઉત્તમ સમાજ બનાવવાની બધી ચાવીઓ તેમાં છે.”

પ્રો. રીટા કોઠારી કહે છે, “ગુજરાતમાં ગાંધીની અસ્મિતાને ભુલાવીને મુનશીની અસ્મિતાને યાદ રાખવાનો પ્રયત્ન થયો. જૈનો-વાણિયાઓ, ઉચ્ચ જાતિઓની આ અસ્મિતામાં પરિવર્તનનો કોઈ સ્કોપ નથી, એ પ્રવાહી અસ્મિતા નથી. ગુજરાતની અસ્મિતામાં એટલો અવકાશ તો હોવો જોઈએ કે હાંસિયામાં રહેલા લોકો તેના પ્રવાહમાં ભળી શકે.”

પ્રો. આનંદ વસાવા કહે છે કે, ” ગાંધી, આંબેડકર તો આપણા પથદર્શકો છે જ. પરંતુ આપણે ગુજરાતીઓ વૈશ્વિકતા તરફ ઓછી દૃષ્ટિ રાખીએ છીએ, જે આધુનિક જમાનાની માગ છે. આ દૃષ્ટિથી આપણને વધુ પથદર્શકો મળશે અને અસ્મિતાની ખોજમાં નવા રસ્તા મળશે.”

ચંદુ મહેરિયા કહે છે, “આજે ગુજરાત સામે મોટો સવાલ એ છે કે આપણે કોને પથદર્શકો ગણવા? ગાંધી, સરદાર આપણી અસ્મિતાના પથદર્શકો હતા એ વાત બરાબર છે, પરંતુ ગાંધીજીની જન્મશતાબ્દીના વર્ષે જ 1969માં ગુજરાતમાં સૌથી વધારે કોમી રમખાણો થયાં. એ લોકો આપણા પથદર્શકો હતા તો આપણે કોમી રમખાણો કરીએ ખરાં?”

“આજે 2026માં હું વિચારું, મારી આસપાસ જોઉં, તો આજે આપણા પથદર્શકો કોણ? વર્તમાનમાં કેટલા લોકોને માટે ઇન્દુલાલ યાજ્ઞિક, વિક્રમ સારાભાઈ કે ઈલાબહેન ભટ્ટ પથદર્શકો છે? આજે રાજકારણ, સમાજ, બૌદ્ધિકો, અધ્યાપકોમાં એવું કોણ છે જેના રસ્તે આપણે ચાલી શકીએ? એક ખાલીપો દેખાય છે.”

ગુલામ મોહમ્મદ શેખ કહે છે, “ગાંધીજી આપણા ધ્રુવતારા જેવા પથદર્શક છે, પણ એમના જેવા અનેક મહાપુરૂષોના આદર્શોને આપણે આજે ક્યાં નાખી દીધા છે? આપણા સાહિત્ય,કલામાં પણ અનેક પથદર્શકો છે. આપણે તેમને બહુ દૂર શોધવા જવા નહીં પડે.”

તેઓ કહે છે, “આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યોને જાળવી રાખવા માટે આપણે શું કર્યું છે અને આજે આપણે શું કરી રહ્યા છીએ? આ પ્રશ્ન પૂછવો આજે સૌથી જરૂરી બની ગયો છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS