Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં ભારે વરસાદ : પાલિતાણામાં 11 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 48 કલાકમાં...

ગુજરાતમાં ભારે વરસાદ : પાલિતાણામાં 11 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 48 કલાકમાં ક્યાં અતિભારે વરસાદ પડશે?

8
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ગુજરાત ચોમાસું તાપમાન ગાજવીજ ખેડૂત, ખેતી

ઇમેજ સ્રોત, Alpesh Dabhi

14 મિનિટ પહેલા

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે અને રાજ્યના મોટા ભાગના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાયો છે જેના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.

ભાવનગરના પાલિતાણા તાલુકાના રંડોળા ગામની રજાવળ નદી બે કાંઠે થતાં નદીમાં એક કાર તણાઈ છે. આ ઘટનાના વીડિયો પણ વાઇરલ થયા છે.

જોકે, કારની અંદર સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે. સોમવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ કાર રજવળ નદીમાં તણાઈ હતી.

ભાવનગર જિલ્લામાં બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે પાલિતાણા પંથકમાં જનજીવનને અસર થઈ છે. પાલીતાણા આસપાસ 12 ઇંચ વરસાદ પડ્યો છે અને સિહોરને જોડતાં 12 ગામોનો સંપર્ક તૂટ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં પડ્યો છે. અહીં 352 મિલી વરસાદ પડ્યો છે. રાજ્યના તમામ તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે માત્ર બે જ તાલુકા વરસાદ વગરના રહી ગયા છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ગુજરાત ચોમાસું તાપમાન ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકામાં ધોધમાર વરસાદ પડવાથી કોઝવે ધોવાયા છે અને રસ્તા બંધ થયા છે. મુળીના ચિત્રોળી ગામ નજીકનો કોઝવે ધોવાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે.

અરવલ્લીના મોડાસામાં મોતુપીરા પંથકમાં સોમવારે રાતે વીજળી પડવાની એક ઘટનામાં 8 ઘેંટાં-બકરાંનાં મોત થયાં છે.

રાજકોટ શહેરમાં સોમવારે આખી રાત વરસાદ પડ્યો હતો. રાતના 12 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં રાજકોટમાં લગભગ છ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટના ધોરાજી પંથકમાં ચાર દિવસથી વરસાદ ચાલુ છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

ભાવનગરમાં વલ્લભીપુર-ધંધુકા થઈને અમદાવાદ જતો હાઈવે વરસાદના કારણે બંધ કરવો પડ્યો છે.

ગઈકાલે બોટાદના લાઠીદડ સાગાવદર ગામે એક કાર પાણીમાં તણાઈ હતી જેમાં આઠ લોકો સવાર હતા. તેમાંથી બે લોકોને બચાવી લેવાયા હતા અને બીજા લોકોને શોધવાનું કામ ચાલુ હતું.

સોમવારે અમરેલીના બાબરા પંથકમાં એક કાર કોઝવેના પાણીમાં ફસાઈ હતી જેમાં કારના કાચ તોડીને બે પુરુષ અને એક બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

સોમવારે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક મૉડેલ હાઇસ્કૂલના 38 વિદ્યાર્થીઓ પૂરનાં પાણીમાં ફસાઈ ગયાં હતાં. બાળકોએ નદીના બાજુમાં એક ખાનગી મકાનમાં આશ્રય લેવા મજબૂર થવું પડ્યું હતું. ત્યાર બાદ સ્થાનિક લોકોની મદદથી વહીવટીતંત્રે બચાવકાર્ય હાથ ધર્યું હતું જેમાં ટ્રૅક્ટર દ્વારા પાણીમાં પ્રવેશ કરીને અને માનવસાંકળ બનાવીને બાળકોને સહસલામત બહાર લાવવામાં આવ્યાં હતાં.

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ક્યાં ભારે વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ગુજરાત ચોમાસું તાપમાન ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદ સ્થિત હવામાન ખાતાના બુલેટિન પ્રમાણે 17 જૂને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત ભરુચ, સુરત, નવસારી, સંઘપ્રદેશ દમણ તથા દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

તે સિવાય આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, દ્વારકા અને જામનગર જિલ્લામાં 17 જૂને ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં આજે પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને ગાજવીજ સાથે રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવું હવામાનખાતાનું બુલેટિન જણાવે છે.

18 જૂને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

19 જૂને પણ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે તેવું હવામાન ખાતાનો અહેવાલ જણાવે છે.

ગુજરાત પર વરસાદની કઈ સિસ્ટમ સક્રિય થઈ છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ગુજરાત ચોમાસું તાપમાન ગાજવીજ

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

છેલ્લા 24 કલાકમાં વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, બનાસકાંઠા, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થયો છે.

હવામાન ખાતાના બુલેટિન મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધ્યું છે અને ઉત્તર અરેબિયન સમુદ્ર તથા ગુજરાત પર પહોંચ્યું છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગણાના અમુક ભાગોમાં પણ ચોમાસું બેસી ગયું છે. વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના ભાગો પણ આવરી લેવાયા છે. ગુજરાત અને પડોશના વિસ્તારો પર અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે. તેના કારણે ગુજરાતમાં અમુક જગ્યાએ આગામી 24 કલાકમાં લો-પ્રેશર એરિયા રચાશે અને ત્યાં વરસાદ પડશે તેવી આગાહી છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS