Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 3 કલાક પહેલા
પાંચ વર્ષના ગાળા પછી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થવાની છે. આ યાત્રા માટે યાત્રાળુઓએ ઑનલાઇન અરજી કરવાની રહેશે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2025 છે.
પહેલી યાત્રા લિપુલેખના રસ્તે 30 જૂને નવી દિલ્હીથી શરૂ થશે. દર વર્ષે લગભગ 900 ભારતીય યાત્રાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રા કરે છે.

હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન શિવ કૈલાસ માનસરોવરમાં જ નિવાસ કરે છે. આનો ઉલ્લેખ ઘણા પવિત્ર હિંદુ ગ્રંથોમાં છે. તેમાં સરોવરની પરિક્રમાને ઘણી મહત્ત્વની માનવામાં આવે છે.
સમુદ્રની સપાટીથી 6638 મીટરની ઊંચાઈએ આવેલા કૈલાસ પર્વત અને માનસરોવર સરોવરનું બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ વિશેષ મહત્ત્વ છે.

કૈલાસ માનસરોવર યાત્રા માટે વિદેશ મંત્રાલયે નિયમો બનાવ્યા છે. તેના હેઠળ સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તીર્થયાત્રી ભારતીય નાગરિક હોવા જોઈએ.
યાત્રાળુ પાસે 1 સપ્ટેમ્બરથી ઓછામાં ઓછા છ મહિનાની વેલિડિટી સાથેનો ભારતીય પાસપૉર્ટ હોવો જોઈએ. ચાલુ વર્ષની પહેલી જાન્યુઆરીએ ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 70 વર્ષની ઉંમર હોવી જોઈએ.
યાત્રા કરવા માટે સૌથી જરૂરી ચીજ છે શરીરનો બૉડી માસ ઇન્ડેક્સ એટલે કે બીએમઆઇ. માત્ર 25 કે તેનાથી નીચો બીએમઆઇ ધરાવતી વ્યક્તિ જ આ યાત્રા કરી શકે છે. આ ઉપરાંત આ યાત્રા માટે શારીરિક રીતે વ્યક્તિ તંદુરસ્ત હોવી જોઈએ અને ચિકિત્સાની દૃષ્ટિએ સજ્જ હોવી જોઈએ.
વિદેશી નાગરિકો કૈલાસ માનસરોવર યાત્રા માટે અરજી કરી શકતા નથી. ઓવરસિઝ સિટીઝન ઑફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઇ કાર્ડ ધરાવતી વ્યક્તિ પણ આ યાત્રા માટે અરજી કરી ન શકે.

કૈલાસ માનસરોવર યાત્રા માટે કમ્પ્યુટરથી ડ્રો કાઢવામાં આવે છે. તેથી અરજી આખેઆખી ભરવામાં આવે તે જરૂરી છે, અરજીમાં અપૂરતી વિગતો હશે તો તેને સ્વીકારવામાં નહીં આવે.
અરજી વખતે તમારી પાસે 1 સપ્ટેમ્બરથી ઓછામાં ઓછા છ મહિનાનો પાસપૉર્ટ હોવો જરૂરી છે. તેના પ્રથમ અને છેલ્લા પાનાની કૉપી જોડવાની રહેશે.
આ ઉપરાંત જે વ્યક્તિ માટે અરજી કરવી હોય તેનો ફોટો જેપીજી ફૉર્મેટમાં હોવો જોઈએ. એક એકાઉન્ટમાંથી માત્ર બે અરજી ભરી શકાશે.
ત્યાર પછી પાસપૉર્ટ પરની માહિતી પ્રમાણે ઑનલાઇન અરજી કરવાની રહેશે. નામ, સરનામું કે બીજી કોઈ માહિતીમાં ગરબડ હશે તો યાત્રાએ જવા નહીં મળે.

આ યાત્રા માટે સફળ ઑનલાઇન અરજી પછી વિદેશ મંત્રાલય ડ્રો દ્વારા યાત્રાળુઓની પસંદગી કરી શકે છે.
ડ્રો થવાની સાથે જ યાત્રાળુને તેના રૂટ અને બેચની ફાળવણી કરી દેવાય છે.
વિદેશ મંત્રાલય ડ્રો પછી દરેક અરજકર્તાને તેના રજિસ્ટર્ડ ઇ-મેઇલ અને મોબાઇલ નંબર પર જાણ કરે છે.
આ ઉપરાંત તમે હેલ્પલાઇન નંબર 011-23088133 પરથી પણ જાણકારી મેળવી શકો છો.
ત્યાર બાદ અરજકર્તાએ મંત્રાલયે ફાળવેલી તારીખથી અગાઉ કુમાઉ મંડલ વિકાસ નિગમ અથવા સિક્કિમ પર્યટન વિકાસ નિગમના નિર્ધારિત બૅન્ક ખાતામાં ‘યાત્રા માટેના ખર્ચની ફી’ તરીકે ચોક્કસ રકમ ભરવાની હોય છે.
યાત્રાનો ખર્ચ જમા કરાવ્યા પછી અરજકર્તાએ દિલ્હી પહોંચતા અગાઉ ઑનલાઇન જ બેચની પુષ્ટિ કરવાની હોય છે. ત્યાર પછી બેચ અલૉટ માનવામાં આવે છે.
બેચ માટે યાત્રા શરૂ કરતા અગાઉ મેડિકલ તપાસ કરવામાં આવે છે.
તેના માટે નિર્ધારિત તારીખે યાત્રાળુએ દિલ્હીના હાર્ટ ઍન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટમાં રિપોર્ટ કરવાનો હોય છે. આમ કરવામાં ન આવે તો બેચમાંથી નામ કમી કરવામાં આવે છે.
વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે તમામ યાત્રાળુઓ એક સાથે યાત્રા કરે અને પાછા ફરે તે ફરજિયાત છે. તમામ યાત્રાળુઓની યાત્રા દિલ્હીથી જ શરૂ થશે.
યાત્રા શરૂ કરતાં અગાઉ તમારે મંત્રાલયના નિર્ધારિત અધિકારીઓને વેલિડ પાસપૉર્ટ, પાસપૉર્ટ સાઇઝના છ કલર ફોટો, 100 રૂપિયાના નોટરાઇઝ્ડ બૉન્ડ આપવા પડે છે.
આ ઉપરાંત ઇમરજન્સી સ્થિતિમાં હેલિકૉપ્ટરથી લઈ જવા માટે ઍફિડેવિટ અને ચાઇનીઝ પ્રદેશમાં મૃત્યુ થાય તો મૃતદેહનો ત્યાં જ અંતિમ સંસ્કાર કરવા માટે સંમતિપત્ર આપવું પડે છે.
આમાંથી એક પણ કાગળ નહીં હોય તો યાત્રાની મંજૂરી નહીં મળે.

વિદેશ મંત્રાલય કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન બે અલગ-અલગ રૂટ પર કરે છે. તેમાંથી પહેલો રૂટ લિપુલેખ દર્રા (ઉત્તરાખંડ) છે જ્યારે બીજો રૂટ નાથુ લા દર્રા (સિક્કિમ)નો છે.
આ બંને રૂટ માટે યાત્રાળુ દીઠ અલગ-અલગ ખર્ચ આવે છે.
યાત્રાની વેબસાઇટ પ્રમાણે લિપુલેખથી યાત્રા કરવા માટે લગભગ 1.74 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.
આ માર્ગ પર લગભગ 200 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે. આ રૂટથી પાંચ બેચ મોકલાય છે અને યાત્રા પૂરી થવામાં લગભગ 22 દિવસ લાગે છે.
નાથુ લા માર્ગે કોઈ વ્યક્તિ યાત્રા કરે તો તેનો ખર્ચ વધીને લગભગ 2.83 લાખ રૂપિયા સુધી થઈ જાય છે.
આ માર્ગ પર લગભગ 36 કિલોમીટરનું ટ્રેકિંગ કરવાનું હોય છે. આ રૂટ પર 10 બેચ જશે અને 21 દિવસમાં યાત્રા પૂરી થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન
SOURCE : BBC NEWS