Source : BBC NEWS

- લેેખક, સરબજિતસિંહ ધાલીવાલ,
- પદ, બીબીસી સંવાદદાતા, ટોરન્ટો
-
26 એપ્રિલ 2025, 19:43 IST
અપડેટેડ 2 કલાક પહેલા
“અહીં સપનાં પણ તણાવથી ભરેલાં છે, ક્યારેક વીજળીના બિલને લઈને, ક્યારેક લોનને લઈને, ક્યારેક નોકરીને લઈને, ક્યારેક મકાનના હપતાને લઈને, બસ આ જ બધું હવે મારી જિંદગીનો ભાગ બની ગયું છે.”
કૅનેડાની હાલની પરિસ્થિતિ રજૂ કરતી આ ટિપ્પણી કૅનેડાના નાગરિક રમનદીપસિંહની છે.
રમનદીપસિંહની પૃષ્ઠભૂમિ પંજાબના ફરીદકોટ શહેર સાથે સંકળાયેલી છે. તેઓ લગભગ દસ વર્ષ પહેલાં ભારતથી કૅનેડા આવ્યા હતા. હવે તેઓ અહીંના નાગરિક છે.
કૅનેડા આવ્યા પહેલાં રમનદીપસિંહ પંજાબમાં ઍડ્હૉક બેઝિસ પર લેક્ચરર તરીકે કામ કરતા હતા.
રમનદીપસિંહ કહે છે, “સંઘર્ષનું બીજું નામ કૅનેડા છે, પરંતુ હું એમ ન કહી શકું કે કૅનેડા એક ખરાબ દેશ છે, કૅનેડા સૌથી સારું છે અને મને તે ખૂબ ગમે છે. પરંતુ, કોરોના પછી અહીંની પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે.”
કૅનેડામાં અત્યારના સમયે સામાન્ય ચૂંટણીનો માહોલ છે. અહીં રહેઠાણની તંગી, બેરોજગારી અને મોઘવારી મુખ્ય મુદ્દા છે.
છેલ્લાં થોડાંક વર્ષોમાં અપ્રતિબંધિત ઇમિગ્રેશન નીતિના લીધે વસ્તીમાં થયેલા વધારાને તેનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
કૅનેડામાં હાલ કેવી પરિસ્થિતિ છે?

રમનદીપસિંહ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, જેને સારી આવક રળી આપનાર વ્યવસાય માનવામાં આવે છે.
હાલની પરિસ્થિતિ વિશે તેઓ પોતાના અંગત અનુભવ રજૂ કરે છે, “આ સમયમાં અહીં જીવનનિર્વાહ કરવો મુશ્કેલ થઈ ગયો છે. નોકરીની તકો ઘટતી જાય છે, મોંઘવારી વધી રહી છે અને ઘરોના હપતા વધતા જાય છે, આ કારણોથી કૅનેડામાં રહેતા પ્રવાસી પરેશાન છે.”
રમન અનુસાર, “મેં અને મારી પત્નીએ દિવસ-રાત મહેનત કરી, પહેલાં ઘર ખરીદ્યું અને જીવન ખૂબ આરામથી ચાલવા લાગ્યું. થોડાં વર્ષ પછી લાગ્યું કે પોતાનું જૂનું ઘર વેચીને મોટું ઘર ખરીદવું જોઈએ અને અમે બે ગણી કિંમતે મોટું ઘર ખરીદી લીધું.”
પરંતુ, અચાનક કોરોના પછી હાઉસિંગ માર્કેટમાં મંદીની શરૂઆત થઈ અને અહીંથી તેમની મુશ્કેલીઓ શરૂ થઈ, જે હજી સુધી ચાલુ છે.
તેમણે જણાવ્યું કે, ઘરની કિંમત દિન-પ્રતિદિન ઘટતી જાય છે, પરંતુ મૉર્ગેજ (લોનના હપતા) સતત વધતા જાય છે અને અમને સમજાતું નહોતું કે હવે શું કરીએ. આ ઉપરાંત, કૅનેડામાં મોંઘવારી સહિત અન્ય ખર્ચામાં પણ ખૂબ વધારો થયો છે.
રમનદીપસિંહે જણાવ્યું, “દસ વર્ષના અનુભવ પછી લાગે છે કે કૅનેડા આવવાનો નિર્ણય યોગ્ય નહોતો. જીવન અધ્ધરતાલ છે.”
“કૅનેડામાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે અને અમે પાછા જવાનો વિકલ્પ ખતમ કરી ચૂક્યાં છીએ. ત્યાં બધું જ વેચીને આવી ગયાં છીએ.”
રમનદીપ કહે છે, “આ દેશ અત્યંત ખૂબસૂરત છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌ કોઈને આગળ વધવાનો અવસર આપે છે, પરંતુ, હાલની સ્થિતિના કારણે હવે અહીં રહેવું અત્યંત મુશ્કેલ થઈ ગયું છે.”
કૅનેડામાં આ સ્થિતિ પ્રવાસીઓ માટે માનસિક તણાવનું કારણ બની રહી છે, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે.
નવા પ્રવાસીઓ માટે સ્થિતિ વધુ મુશ્કેલ છે

કૅનેડામાં અત્યારના સમયમાં નવા પ્રવાસીઓ સામે વધારે ગંભીર પડકારો છે.
તેમને અહીં મોંઘવારી, સસ્તાં મકાનોની તંગી અને નોકરીઓની અછત જેવી સમસ્યાઓ સાથે જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરવો પડે છે. ખાસ કરીને, નવા અપ્રવાસીઓ માટે આવાસ સંકટ સૌથી મોટો પડકાર બન્યો છે.
રમનદીપની જેમ ગુજરાતના મિતુલ દેસાઈ પણ થોડાંક વર્ષ પહેલાં પોતાના પરિવાર સાથે કૅનેડા આવ્યા હતા.
દેસાઈ અત્યારે કૅનેડાના ઓન્ટારિઓ પ્રાંતના બ્રૅમ્પટન શહેરમાં રહે છે અને એક કૅફેમાં કામ કરે છે.
દેસાઈ કહે છે, “પહેલાં અહીં બધું ઠીક હતું, પરંતુ હવે અહીં સૌથી મોટું ટેન્શન ઘરનું છે. જેમની પાસે છે, તેઓ હપતા માટે પરેશાન છે અને નવી વ્યક્તિ કિંમતોના ડરથી ઘર ખરીદી શકતા નથી અને આ વખતની ચૂંટણીમાં તેમના માટે સૌથી મોટો મુદ્દો ઘર અને ટૅરિફ છે.”
દેસાઈ અનુસાર, “કૅનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ધસારાને કારણે અહીં રેન્ટ માર્કેટમાં રેકૉર્ડ ઉછાળો આવ્યો છે. મકાનોના બેઝમેન્ટનું ભાડું જે ક્યારેક 300 ડૉલર હતું, હવે 1,500થી 2,000 ડૉલર સુધી પહોંચી ગયું છે.”
આ કારણે લોકોએ ભાડાને પોતાની આવકનો ભાગ બનાવીને નવાં મકાનોમાં રોકાણ કર્યું છે, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ઘટના લીધે મકાન ખાલી પડ્યાં છે અને મકાનમાલિકોને હપતાની ચિંતા સતાવી રહી છે.
વર્ષ 2023-2024 દરમિયાન તત્કાલીન જસ્ટિન ટ્રૂડો સરકારે કૅનેડાના સ્ટુડન્ટ વિઝા કાર્યક્રમમાં મોટા ફેરફાર કર્યા છે.
જેના કારણે પહેલાંની સરખામણીએ કૅનેડામાં વિદ્યાર્થીઓનો ધસારો ઘણો ઘટી ગયો છે. તેની સીધી અસર અહીંના રેન્ટ માર્કેટ પર પડી છે અને હવે અહીં ઘર અને કામ બંને તાણ બની ગયાં છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની આશાઓ

છેલ્લાં થોડાંક વર્ષોથી કૅનેડા ભારત સહિત બીજા ઘણા દેશોના વિદ્યાર્થીઓ માટે પસંદગીનો દેશ રહ્યો છે.
કૅનેડિયન સ્ટુડન્ટ પ્રોગ્રામ હેઠળ પંજાબ, ગુજરાત, હરિયાણા, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ સહિત ભારતનાં બીજાં ઘણાં રાજ્યમાંથી વિદ્યાર્થી અહીં આવ્યા છે.
આમાં સૌથી વધુ પંજાબી અને ગુજરાતી છે, જેઓ સારા ભવિષ્યની આશા લઈને આ દેશમાં આવ્યા છે. નવજોત સલારિયા પણ 2020માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે આ દેશમાં આવ્યા છે. નવજોત પંજાબના ગુરદાસપુર જિલ્લા સાથે સંબંધ ધરાવે છે.
નવજોત અત્યારે વર્ક પરમિટ પર છે, જે આ વર્ષે ઑગસ્ટ મહિનામાં પૂર્ણ થઈ જશે અને આ જ તેમની આ સમયે સૌથી મોટી ચિંતા છે.
નવજોત સલારિયાએ કહ્યું, “મારી પાસે નોકરી છે, પરંતુ મને ચિંતા કૅનેડાના પીઆર મેળવવાની છે. આ અંગે અત્યારે કંઈ નથી થઈ રહ્યું.”
કૅનેડા સરકારે તાજેતરમાં પીઆર નિયમોમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. જેની અસર અહીં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડવા લાગી છે.
ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વર્ક પરમિટની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. જેના કારણે તેમનું કૅનેડામાં વસવાનું સપનું અધવચ્ચે અટકી ગયું છે. એવા જ એક વિદ્યાર્થી છે પંજાબના તરનતારનના સિમરપ્રીતસિંહ.
સિમરપ્રીતસિંહે કહ્યું, “મારા વર્ક પરમિટની સમયમર્યાદા સમાપ્ત થયા પછી હવે હું કૅનેડામાં કામ નથી કરી શકતો અને મારા માટે પોતાના ખર્ચની વ્યવસ્થા કરવી મુશ્કેલ થઈ ગઈ છે.”
તેમણે કહ્યું, “હવે મારી નજર ફેડરલ ઇલેક્શન પર છે અને જે કોઈ પાર્ટી અહીં સત્તામાં આવશે, તે અમારું ભવિષ્ય નક્કી કરશે.”

ગુજરાતી મૂળનાં સોનલ ગુપ્તા પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે કૅનેડા આવ્યાં હતાં. તેઓ પોતાના પીઆરની રાહ જોઈ રહ્યાં છે.
સોનલ અનુસાર, પહેલાંની સરખામણીએ કૅનેડામાં સ્થિતિ ખૂબ બદલાઈ ગઈ છે.
સોનલ ગુપ્તા કહે છે, “કૅનેડિયન નાગરિક દેશની હાલની સ્થિતિ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જવાબદાર માને છે. જોકે, એવું બિલકુલ નથી. વિદ્યાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરીને અહીં આવ્યા છે અને સ્થાનિક લોકોને સુવિધાઓ આપવી એ સરકારનું કામ છે.”
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કૅનેડાની ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છે? તેના જવાબમાં સોનલ કહે છે કે, સ્થિતિ સુધરે કે ન સુધરે, તેઓ બસ કંઈક સારું થવાની આશામાં પોતાના દિવસો પસાર કરે છે.
ઑન્ટારિઓના ગ્રેટર ટોરન્ટો એરિયામાં બીબીસીની ટીમે બ્રૅમ્પટનમાં શેર્ડન કૉલેજની આસપાસના વિસ્તારની મુલાકાત લીધી.
કૅનેડામાં રહેતા કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સંઘર્ષનું પ્રથમ પ્રતીક શેર્ડન કૉલેજ હતું, જે ક્યારેક મોટી સંખ્યામાં ભારતીય, તેમાંય ખાસ કરીને પંજાબી વિદ્યાર્થીઓનું ઘર હતું; પરંતુ હવે તેની પાસે બતાવવા જેવું બહુ થોડું છે.
કૅનેડામાં આવાસની અછતના આંકડા

કૅનેડા અત્યારે આવાસ સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. કૅનેડા સરકારના આંકડા દર્શાવે છે કે, દેશમાં લગભગ ચાર લાખ ઘરની અછત છે.
કૅનેડાની સ્કોટિયા બૅન્કના 2021ના રિપોર્ટ અનુસાર, અન્ય G-7 દેશો કરતાં કૅનેડામાં પ્રતિ એક હજાર નિવાસીએ ઘરની સંખ્યા ઓછી છે.
આંકડાથી સ્પષ્ટ જાણવા મળે છે કે, 2016 પછી વસ્તીની સાપેક્ષ આવાસનિર્માણની ઝડપમાં ઘટાડો થયો છે. 2016માં પ્રતિ 1,000 કૅનેડિયન લોકોએ 427 આવાસીય એકમ હતા, જે 2020 સુધીમાં ઘટીને 424 થઈ ગયા.
બ્રૅમ્પટનમાં રિયલ એસ્ટેટ માર્કેટ સાથે સંકળાયેલા મિંકલ બત્રા કહે છે, “કૅનેડાની વસ્તી જે દરે વધી છે, એ જ દરથી અહીં ઘર નથી બન્યાં; જેની સીધી અસર ઘરોની કિંમત પર પડી રહી છે.”
મિંકલ કહે છે, “કૅનેડામાં ઘરના માલિક બનવું હવે એક સપનું બની ગયું છે અને છેલ્લા થોડાક મહિનામાં ઘરોની કિંમતમાં 15થી 20 ટકાનો વધારો થયો છે.”
તેની રેન્ટલ માર્કેટ પર પણ ઘેરી અસર થઈ છે. ઘરોનાં ભાડાં અગાઉનાં કરતાં ઘટી ગયાં છે. જેના લીધે રોકાણની આશાએ ઘર ખરીદનાર લોકો હવે હપતા પણ ભરી શકતા નથી.
કૅનેડામાં અપ્રવાસીઓની સંખ્યા

કૅનેડાના અપ્રવાસ, શરણાર્થી અને નાગરિકતા મંત્રાલયનો 2024નો રિપોર્ટ જણાવે છે કે, 2019ની તુલનાએ પીઆર માટેના લક્ષ્યમાં 41 ટકાનો વધારો થયો છે.
અસ્થાયી એટલે કે ભણવા કે કામના આધારે કૅનેડા આવનારા લોકોનો કોટા પણ વધ્યો છે. તેની સાથે જ કૅનેડામાં રાજકીય શરણ માગનારા લોકોની સંખ્યામાં 126 ટકાનો વધારો થયો છે.
કૅનેડા સરકારના આંકડા ધ્યાનથી જોઈએ તો, તેના અનુસાર, 2023માં 6 લાખ 82 હજાર 889 સ્ટડી પરમિટ આપવામાં આવી. આ જ રીતે 2023માં 25 હજાર 605 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કર્યા પછી કૅનેડિયન પીઆર આપવામાં આવ્યા, જે 2022ની સરખામણીએ 30 ટકા વધારે હતા.
2023માં કૅનેડાએ 4,71,808 અપ્રવાસીઓનું સ્વાગત કર્યું, જે 2022ની સરખામણીએ 7.8 ટકા વધારે હતા. પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૅનેડા સરકારે તાજેતરમાં પોતાની ઇમિગ્રેશન અને સ્ટુડન્ટ્સ પરમિટ નીતિઓમાં મોટા ફેરફાર કર્યા છે, જેના કારણે હવે સંખ્યા ઘટી ગઈ છે.
ચૂંટણીમાં આવાસ સંકટ, ઇમિગ્રેશન અને ટેરિફના મુદ્દા

કૅનેડામાં 28 એપ્રિલે સામાન્ય ચૂંટણી થવાની છે, જેમાં અપ્રવાસ અને આવાસના મુદ્દા સૌથી મહત્ત્વના છે. આવાસ ઉપરાંત, વધતી જતી મોંઘવારી, ઘટતી જતી નોકરીઓ અને અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફની અસર પણ ચૂંટણીના મુદ્દા છે.
કૅનેડામાં 2015થી લિબરલ પાર્ટીની સરકાર છે અને તેથી હાલની સ્થિતિના કારણે અહીંના મુખ્ય વિપક્ષી રાજકીય દળ કન્ઝર્વેટિવ, એનડીપી, ગ્રીન પાર્ટી અને બ્લૉક ક્યૂબેકૉઇસ આ મુદ્દે લિબરલ પાર્ટીને ભીંસમાં લે છે.
ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોલિયેવ, એનડીપી નેતા જગમિતસિંહ આ મુદ્દે કૅનેડાના અત્યારના વડા પ્રધાન માર્ક કાર્ની પાસેથી સ્પષ્ટીકરણની માગ કરી રહ્યા છે.
લિબરલ પાર્ટીના નેતા અને કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની પણ એવું માને છે કે, “દેશમાં આવાસ સંકટ છે અને જો તેઓ સત્તામાં આવશે તો પાંચ લાખ નવાં ઘર બનાવડાવશે.”
કૅનેડામાં 2015થી લિબરલ પાર્ટીની સરકાર છે. કૅનેડાની બગડતી આર્થિક સ્થિતિ અને ઢીલી ઇમિગ્રેશન નીતિઓના કારણે જસ્ટિન ટ્રૂડોએ વડા પ્રધાનપદ પરથી રાજીનામું આપવું પડ્યું છે.
મિસિસૉગા–માલ્ટન સીટના સાંસદ એકવિંદર ગહિર પણ એ વાત સાથે સંમત છે કે, “છેલ્લાં થોડાંક વર્ષોમાં અહીં રહેતા લોકોનાં જીવન ઘણાં કારણે મુશ્કેલીભર્યાં રહ્યાં છે; ખાસ કરીને આવાસ અને વધતી મોંઘવારીના કારણે. પરંતુ, તેમની પાર્ટી કૅનેડાને વધુ સારું બનાવવામાં કશી કસર નહીં છોડે.
વકીલ હરમિંદરસિંહ ઢિલ્લોં છેલ્લાં 30 વર્ષથી કૅનેડામાં રહે છે અને સામાજિક કાર્યકર છે.
તેઓ માને છે કે, “કૅનેડામાં આવાસ સંકટ ઘણું મોટું છે, ખાસ કરીને 2018થી 2022 સુધીમાં ઘરોની કિંમત બે ગણી વધી ગઈ છે ત્યારથી. જેના કારણે 2025ની ફેડરલ ચૂંટણીમાં આવાસનો મુદ્દો મુખ્યરૂપે ઊભર્યો છે.
ભારતીય મૂળના કેટલાક વિદ્યાર્થીઓએ બીબીસીને જણાવ્યું કે અમેરિકન ટેરિફના કારણે ઘણા વ્યવસાયને અસર થઈ છે. જેના કારણે નોકરીઓમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે.
પહેલાંથી જ બેરોજગારીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા યુવા માટે આ વધારે મોટું સંકટ બનતું જાય છે.
મોટી સંખ્યામાં પંજાબી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ટ્રકિંગ ઉદ્યોગમાં કામ કરે છે, કેમ કે, આ વ્યવસાયમાં પંજાબીઓનું વર્ચસ્વ છે.
પરંતુ હવે અમેરિકાના ટેરિફની સૌથી વધુ અસર ટ્રકિંગ વ્યવસાય પર પડી રહી છે. જેના કારણે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ટ્રકિંગમાં હતા, તેમના કામના કલાકોમાં ઘણો મોટો કાપ મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી આવક ઘટી ગઈ છે અને મોંઘવારીની અસર વધુ તીવ્ર બની ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS