Source : BBC NEWS
ઇમેજ સ્રોત, AFP via Getty Images
અપડેટેડ 4 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાતચીતના સમાચારો વચ્ચે ખાડીના દેશોએ તાજા હુમલાની સૂચના આપી છે.
કુવૈત આર્મીએ થોડીવાર પહેલાં જણાવ્યું છે કે કુવૈતી ઍર ડિફેન્સ હજુ દુશ્મનનાં મિસાઇલ અને ડ્રૉનના હુમલાનો સામનો કરી રહ્યું છે.
આર્મીના જનરલ સ્ટાફે જણાવ્યું છે કે જો વિસ્ફોટનો અવાજ સંભળાશે, તો તે ઍર ડિફેન્સ સિસ્ટમના દુશ્મન દ્વારા થયેલા હુમલાને રોકવાના સંકેતો છે.
આર્મીએ લોકોને આગ્રહ કર્યો છે કે સંબંધિત અધિકારીઓ તરફથી જારી સૂચનાનું પાલન કરે.
બહેરીનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ઈરાની હુમલાને કારણે એક સરકારી પ્રતિષ્ઠાનમાં લાગેલી આગને બુઝાવી દેવામાં આવી છે.
તેણે જણાવ્યું કે આ હુમલામાં કોઈ ઘાયલ નથી થયું.
અલ જજીરા ચૅનલ પ્રમાણે, સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયે પણ ઈરાનના મિસાઇલ અને ડ્રૉન હુમલાની સૂચના આપી છે.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે યુએઈની ડિફેન્સ સિસ્ટમ આ હુમલાને રોકી રહી છે.
ફાર્સ ન્યૂઝ એજન્સી પ્રમાણે હિઝ્બુલ્લાહે દાવો કર્યો છે કે તેણે તેલ અવીવમાં ઇઝરાયલના મિનિસ્ટ્રી અને વૉર મુખ્યાલયને નિશાન બનાવ્યું છે.
ભારત દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીના ઉપયોગ વિશે ઈરાને શું કહ્યું?
ઇમેજ સ્રોત, OLIVIER HOSLET/EPA/Shutterstock
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાદ અરાગચીએ જાહેરાત કરી છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારત સહિત કેટલાક દેશોનાં જહાજોને પસાર થવાની છૂટ આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ મતલબના અહેવાલ આપ્યા છે.
મુંબઈસ્થિત ઈરાનના કૉન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકીને જણાવ્યું, “ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી: અમે ચીન, રશિયા, ભારત, ઇરાક તથા પાકિસ્તાન જેવા મિત્ર રાષ્ટ્રોને (જહાજો) હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની છૂટ આપી છે.”
આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રોના મહાસચિવે સોશિયલ મીડિયા ઉપર અપીલ કરી હતી કે વિશ્વભરમાં વાવેતરની સિઝન ચાલી રહી છે, ત્યારે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાથી ઑઇલ, ગૅસ અને ખાતરની અસર ઉપર તેની અસર પડી છે. જેના કારણે આ વિસ્તાર સિવાયના સ્થાનોના નાગરિકોને પણ અસર થઈ રહી છે.
તેમણે અમેરિકા તથા ઇઝરાયલને યુદ્ધ સમાપ્ત કરવા તથા ઈરાનને યુદ્ધમાં નહીં સંકળાયેલા પાડોશી દેશો ઉપર હુમલા નહીં કરવાનો સંદેશ આપ્યો હતો.
અમેરિકા સાથે વાટાઘાટો વિશે ઈરાને શું કહ્યું?
ઇમેજ સ્રોત, EPA/Shutterstock
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું હતું કે ‘અમેરિકાએ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અલગ-અલગ મધ્યસ્થો મારફત સંદેશ મોકલવાનું શરૂ કરી દીધું છે.’
અરાગચીનું કહેવું છે કે આ સંદેશ “મૈત્રીપૂર્ણ દેશો મારફત મોકલવામાં આવ્યા” તથા ઈરાને પોતાની “સ્થિતિ જણાવી અને ચેતવણી આપીને” તેનો જવાબ આપ્યો.
અરાગચીના કહેવા પ્રમાણે, “આ ન તો વાતચીત, વાટાઘાટ કે એવું કંઈ નથી.”
અરાગચીએ કહ્યું, “ઈરાનની નીતિ હજુ પણ પોતાની સુરક્ષા કરવાની છે તથા હાલમાં વાતચીતનો કોઈ ઇરાદો નથી.”
અરાગચીએ ઉમેર્યું હતું, “આ ઇઝરાયલનું યુદ્ધ છે, જેની કિંમત અમેરિકાની સાથે આ વિસ્તારના લોકો ચૂકવી રહ્યા છે.”
બીજી બાજુ, અમેરિકાએ યુદ્ધને પૂર્ણ કરવા માટે ઈરાન સમક્ષ પંદર શરતો મૂકી હોવાના અહેવાલ છે. જેના જવાબમાં ઈરાને સંઘર્ષને સમાપ્ત કરવા માટે પાંચ શરતો મૂકી છે.
સોશિયલ મીડિયાની લતના કેસમાં મૅટા અને ગૂગલ જવાબદાર ઠર્યા
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના લૉસ એન્જલ્સ ખાતે એક યુવતીએ નાનપણમાં સોશિયલ મીડિયાની લત લગાડવા બદલ મૅટા અને ગૂગલ સામે કેસ કર્યો હતો.
જેમાં જ્યુરીએ કેલી નામનાં મહિલાને છ મિલિયન ડૉલરનું (અંદાજે રૂ. 56 કરોડ 40 લાખ) વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
જ્યુરીના સભ્યોનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા વૉટ્સઍપની માલિક મૅટા તથા યુટ્યૂબની માલિક ગૂગલે ઇરાદાપૂર્વક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ બનાવ્યાં, જેના કારણે 20 વર્ષીય યુવતીનાં માનસિક આરોગ્યને અસર થઈ.
અમેરિકાની અલગ-અલગ કૉર્ટોમાં આ પ્રકારના સેંકડો કેસ દાખલ થયેલા છે, ત્યારે આ ચુકાદાને કારણે તેમને પણ અસર થઈ શકે છે.
મૅટા અને ગૂગલે અલગ-અલગ નિવેદન આપીને કહ્યું હતું કે તેઓ આ ચુકાદા સાથે સહમત નથી અને અપીલ કરશે.
મૅટાનું કહેવું છે: “ટીનઍજરની માનસિક સ્થિતિ ખૂબ જ જટિલ બાબત છે તથા તેને કોઈ એક ઍપ સાથે જોડી ન શકાય.”
“દરેક કેસ અલગ હોય છે એટલે અમે અમારી જાતને બચાવવાનું ચાલુ રાખીશું. ટીનઍજર્સની ઑનલાઇન સુરક્ષા માટેના અમારા રેકૉર્ડ ઉપર અમને વિશ્વાસ છે.”
ગૂગલના પ્રવક્તાનું કહેવું છે, “આ કેસમાં યુટ્યૂબ વિશે ગેરસમજ થઈ છે. તે જવાબદારીપૂર્ણ સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ છે અને તે સોશિયલ મીડિયા સાઇટ નથી.”
કેલીને જે રકમ ચૂકવવાનો આદેશ થયો છે, આમાંથી 70 ટકા રકમ મૅટા અને બાકીની 30 ટકા રકમ ગૂગલે ચૂકવવાની થાય, એવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



