Home તાજા સમાચાર gujrati એવી બીમારી જેમાં બાળકોની કરોડરજ્જુ વાંકી વળી જાય, એની સારવાર ક્યાં થાય?

એવી બીમારી જેમાં બાળકોની કરોડરજ્જુ વાંકી વળી જાય, એની સારવાર ક્યાં થાય?

15
0

Source : BBC NEWS

સાત બાળકોની સફળ સર્જરી કરવામાં આવી

ઇમેજ સ્રોત, DR.PARTH

“મારી દીકરીને ભણવાનો ખૂબ જ શોખ હતો, પરંતુ તેની કરોડરજ્જુ વાંકી વળી ગઈ હતી. તેને કારણે ફેફસાં પર દબાણ આવતું હતું અને તેને વારંવાર નિમોનિયા થઈ જતો હતો. સતત બીમાર રહેવાને લીધે તે ધોરણ 12 પછી અભ્યાસ કરી શકી ન હતી. હવે કરોડરજ્જુની સફળ સર્જરી થતાં મારી દીકરી આગળનો અભ્યાસ કરી શકશે.”

આ શબ્દો છે વિરમભાઈ ઓડેદરાના. વિરમભાઈની 17 વર્ષની દીકરીની અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે કરોડરજ્જુ વાંકી વળી જવાની બીમારીની સર્જરી કરવામાં આવી હતી.

આ બીમારીને તબીબી ભાષામાં કાઇફોસિસ કે સ્કોલિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર વિરમભાઈની દીકરી જ નહીં, પરંતુ આ સમસ્યા ધરાવતા સાત બાળકોની 16 ફેબ્રુઆરીના રોજ સર્જરી કરવામાં આવી હતી.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલ પરિસરમાં આવેલી ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે બાળકોમાં જોવા મળતી કરોડરજ્જુને લગતી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જેવી ગંભીર બીમારી ધરાવતાં સાત બાળકોની સફળ સર્જરી કરવામાં આવી હતી.

બાળકોમાં જન્મજાત કે નાની ઉંમરે કરોડરજ્જુ વાંકી વળી જવી અથવા કરોડનું હાડકું બહાર દેખાવવા લાગવું જેવાં લક્ષણો જોવાં મળે છે. આ પ્રકારના કિસ્સામાં સમયસર સર્જરી કરીને બાળકોને કાયમી ખોડખાંપણમાંથી મુક્તિ અપાવી શકાય છે.

સિવિલ હૉસ્પિટલ ખાતે યોજાયેલા ઇન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના ડૉક્ટરો જણાવે છે કે, આ એક અત્યંત જટિલ સર્જરી છે. સરેરાશ 4થી 5 કલાક સુધી ચાલતી આ સર્જરીમાં કરોડરજ્જુને સીધી કરતી વખતે અત્યંત નાજુક ચેતાઓ (Nerves) અને રક્તવાહિનીઓ વચ્ચે કામ કરવાનું હોય છે.

આ સર્જરી દરમિયાન મુખ્ય પડકાર સતત ‘ન્યૂરો-મૉનિટરિંગ’નો હોય છે. જો કોઈ પણ પગલું ખોટું પડે, તો મુખ્ય રક્તવાહિનીની ઈજાને કારણે દર્દીનો જીવ જઈ શકે છે અથવા જીવનભરનો લકવો આવી શકે છે.

ડૉક્ટરોના કહેવા મુજબ, જો શરૂઆતના તબક્કામાં જ આ બીમારીનું નિદાન અને સારવાર કરવામાં આવે, તો કેટલાંક બાળકોને સર્જરીની જરૂર પડતી નથી.

પોતાનાં બાળકોની શારીરિક તકલીફની સફળ સર્જરી થતાં માતા-પિતા ખૂબ જ ખુશ હતા.

બીમારી અને સારવાર અંગે ડૉક્ટરે શુ કહ્યુ?

સર્જરી કરનાર ઈન્ડો અમેરિકન ડોક્ટરોની ટીમ

ઇમેજ સ્રોત, CiVIL HOSPITAL

આ બીમારી અંગે માહિતી આપતાં ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. પીયૂષ મિત્તલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આ પ્રકારની કરોડરજ્જુને લગતી ગંભીર બીમારી કેટલાંક બાળકોમાં જન્મજાત હોય છે, તો કેટલાંકમાં ઉંમર વધવાની સાથે જોવા મળે છે.”

“જો બાળકની કરોડરજ્જુનો ઉપરનો ભાગ ‘D’ આકારમાં વાંકી વળતો હોય તો તેને કાઇફોસિસ કહેવાય છે. જ્યારે કરોડરજ્જુનો નીચેનો ભાગ ત્રાંસો થતો હોય કે ‘S’ આકારમાં વળતો હોય તો તેને સ્કોલિયોસિસ કહેવાય છે. કેટલાંક બાળકોમાં આ બંને સમસ્યા એકસાથે જોવા મળે છે, જેને ‘કાઇફોસ્કોલિયોસિસ’ કહેવાય છે.”

તેઓ વધુમાં જણાવે છે કે, “આ બીમારીમાં બાળકોની કરોડરજ્જુ વાંકી વળી જાય છે. સામાન્ય રીતે આ સર્જરી 10થી 15 વર્ષનાં બાળકોમાં કરવામાં આવે છે. જોકે 15 વર્ષ બાદ પણ ગમે ત્યારે સર્જરી કરી શકાય છે, પરંતુ વહેલી સારવાર બાળકના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનાથી બાળકમાં પોતાના શરીર પ્રત્યે હકારાત્મક ભાવ જાગે છે.”

ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થતી સર્જરી અંગે વાત કરતાં ડૉ. પીયૂષે જણાવ્યું કે, “અમારી સંસ્થામાં દર વર્ષે 30થી 40 બાળકોની આવી સર્જરી કરવામાં આવે છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના દર્દીઓ પણ અહીં સારવાર માટે આવે છે. ખાનગી હૉસ્પિટલમાં આ સર્જરીનો ખર્ચ અંદાજે પાંચથી 10 લાખ સુધી થાય છે, જ્યારે અહીં તે તદ્દન મફત કરવામાં આવે છે.”

સફળ સર્જરી થતાં હવે મારી દીકરી આગળનો અભ્યાસ કરી શકશે.

સિવિલ હોસ્પિટલ મીડિયાને આપેલ એકસરે

ઇમેજ સ્રોત, CIVIL Hospital

સાત બાળકોની જે સર્જરી કરવામાં આવી તેમાં છ દીકરીઓ અને એક દીકરો હતાં. દીકરીઓનાં માતા-પિતાનું કહેવું હતું કે સર્જરી બાદ કરોડરજ્જુ સીધી થવાથી હવે તેમની દીકરીઓને ભવિષ્યમાં કોઈ સમસ્યા નહીં નડે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વિરમભાઈ ઓડેદરાએ જણાવ્યું કે, “મારી દીકરી 13 વર્ષની હતી ત્યારે તેનું કરોડરજ્જુનું હાડકું બહાર આવતું દેખાયું હતું. હાડકું વધવાને કારણે ફેફસાં પર દબાણ આવતું અને તેને વારંવાર ન્યૂમોનિયા થઈ જતો. ડૉક્ટરોએ આપેલા પટ્ટાથી કોઈ ફેર ન પડ્યો, એટલે અંતે સર્જરી કરાવી. અમે ખેતીકામ કરતા લોકો છીએ, અહીં વિનામૂલ્યે સર્જરી થઈ તે અમારા માટે આશીર્વાદ સમાન છે. હવે તે કૉલેજનો અભ્યાસ પણ કરી શકશે.”

આ જ રીતે દેવભૂમિ દ્વારકાના નાથાભાઈ, રાજસ્થાનના લક્ષ્મીબહેન અને મધ્યપ્રદેશના સરિતાબહેને પણ પોતાની આપવીતી જણાવી હતી.

કોઈને આર્થિક તકલીફ હતી તો કોઈને નિદાન મોડું મળ્યું હતું, પરંતુ સિવિલ હૉસ્પિટલની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં સફળ સર્જરી બાદ હવે આ તમામ બાળકો એક સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી શકશે. તેમને જાણે નવી જિંદગી મળી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS