Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
35 વર્ષીય સ્ટુએ 18 મહિના પહેલાં એમ જ ‘કલસી’ નામની ઍપ ડાઉનલૉડ કરી. તેઓ ક્યારેક-ક્યારેક તેની ઉપર રમત-ગમતનો દાવ રમતા.
જોકે, થોડાં અઠવાડિયાં પહેલાં તેમણે જોયું કે પૅન્ટાગનની આસપાસ મોડી રાત્રે પિત્ઝા ડિલિવરી કરનારાઓની અવરજવર વધી ગઈ હતી. એટલે તેમણે 10 ડૉલરનો (લગભગ રૂ. 925) અલગ પ્રકારનો દાવ રમ્યો. પહેલી માર્ચ પહેલાં ઈરાનના આયતુલ્લાહ અલી ખામેનેઈ “ખતમ” થઈ જશે.
અમેરિકનો કેવી બાબતો પર બેટ લગાવી શકે આ દાવો તેની બધી મર્યાદાઓને પારખતો હતો.
ગત એક વર્ષમાં કથિત રીતે આગાહી કરતા આવા બજારોની લોકપ્રિયતા અસામાન્ય હદે વધી છે અને 44 અબજ ડૉલરના સોદા થયા છે.
‘કલસી’ જેવા બજારોને કારણે અમેરિકામાં બેટિંગનું (સટ્ટા) બજાર ઝડપભેર બદલાઈ રહ્યું છે. વર્ષ 2018 સુધી અમેરિકામાં રમતગમત ઉપર સટ્ટો રમવો ગેરકાયદેસર હતો અને વર્ષ 2024 સુધી ચૂંટણી ઉપર દાવ નહોતો રમી શકાતો.
‘પૉલીમાર્કેટ’ અને ‘કલસી’ જેવાં પ્લૅટફૉર્મ મોટાભાગે રમતગમતની મૅચો ઉપર દાવ લગાડવાની પ્રવૃત્તિ જોવા મળે છે. આમ છતાં વ્યક્તિ ગમે તે મુદ્દે દાવ રમી શકે છે, જેમ કે: સ્થાનિક ચૂંટણી, યુએસની ફૅડરલ રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડશે કે નહીંથી લઈને ઈસુ ખ્રિસ્ત કઈ સાલમાં પરત ફરશે.
અમેરિકામાં બેટિંગ ઍપ્સ પર કવો સટ્ટો લગાડાય છે
ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
વર્ષ 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો હતો, ત્યારે આ પ્રકારની ઍપ્સ વિવાદમાં આવી હતી. કાયદાકીય લડત બાદ આ ઍપ્સ ઉપર ચૂંટણીલક્ષી દાવ લગાડવા શક્ય બન્યા હતા. આ ઍપ્સ પર દાવ લગાવનારાઓમાં અસામાન્ય હદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે, એવો ઝુકાવ જોવા મળી રહ્યો હતો.
તાજેતરમાં ઈરાન, વેનેઝુએલા અને ઇઝરાયલમાં સૈન્યકાર્યવાહી સંદર્ભે જે પ્રકારના દાવ લગાડવામાં આવે છે, તેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે.
કાયદેસર રીતે જોવામાં આવે તો આ પ્રકારની સટ્ટાકીય અટકળોએ યુએસના નાણાકીય નિયમો સાથે સુસંગત નથી. જેમાં યુદ્ધ, આતંકવાદ, હત્યા કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સટ્ટાકીય સોદા ન થઈ શકે.
આમ છતાં ‘પૉલીમાર્કેટ’ અને ‘કલસી’ જેવી બેટિંગ ઍપ્સ ઉપર આ પ્રકારના લાખો સોદા થાય છે.
કેટલાક લોકો આ પ્રકારની ઍપ્સ સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે આ ઍપ્સ સંભવતઃ ગેરકાયદેસર, યુદ્ધમાંથી નફાખોરી, રાષ્ટ્રીય સુરક્ષા ઉપર જોખમ, ભ્રષ્ટાચાર અને ઇનસાઇડર ટ્રેડિંગને (અંદરની માહિતીના આધારે સટ્ટાકીય સોદા કરવાની પ્રવૃત્તિ) પ્રોત્સાહન આપે છે.
પૉલીમાર્કેટ પર હજારો કરોડોનો સટ્ટો
ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
હિમાયતી સંગઠન ‘પબ્લિક સિટીઝન’ ખાતે સરકારી બાબતોના લૉબિસ્ટ ક્રૅગ હોલમૅનનું કહેવું છે, “આને કારણે લગભગ દરેક બાબત ઉપર સટ્ટો લગાડી શકાય છે. જેમાં દેશના વડાનાં મૃત્યુ જેવી ખૂબ જ જઘન્ય બાબત પણ સામેલ છે.”
સંગઠને તાજેતરમાં આ પ્રકારના સટ્ટાની પ્રવૃત્તિ સામે ફરિયાદ દાખલ કરી છે.
સમાચાર સંસ્થા બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે, એકલા ‘પૉલીમાર્કેટ’ ઉપર ઈરાનયુદ્ધ સંદર્ભે 50 કરોડ ડૉલરનો (લગભગ ચાર હજાર 600 કરોડ) સટ્ટો રમાયો છે. એક તબક્કે અણુ વિસ્ફોટ થશે કે કેમ તેની ઉપર પણ સટ્ટો લાગ્યો હતો.
પૉલીમાર્કેટનું મુખ્યમથક ન્યૂયૉર્કમાં છે, છતાં યુએસમાં તેની પ્રવૃત્તિ ખૂબ જ મર્યાદિત છે. સોશિયલ મીડિયા ઉપર લોકોએ આના વિશે ભારે ટીકા કરી એ પછી તે બાબતને હઠાવી દેવામાં આવી હતી.
જોકે, આજે પણ લોકો “અમેરિકા ઈરાનમાં તેના સૈનિકોને ઉતારશે કે નહીં ?” જેવી બાબતો ઉપર દાવ લગાડી શકે છે.
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ પર પાંચ કરોડ 40 લાખ ડૉલરના સોદા પડ્યા
ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
બીબીસીએ આ મુદ્દે પૉલીમાર્કેટનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે પ્રતિક્રિયા આપી ન હતી.
આવી જ રીતે કલસી ઉપર ખામેનેઈ માર્કેટ ભરાયું હતું. જેની ઉપર પાંચ કરોડ 40 લાખ ડૉલરના (રૂ. પાંચસો કરોડ) સોદા પડ્યા હતા, પરંતુ પછી તેને બંધ કરી દેવાયું હતું.
અમેરિકામાં કાયદા હેઠળ સંચાલિત સંસ્થાઓ “કોઈના મૃત્યુ સાથે સંકળાયેલું પ્રત્યક્ષ બજાર” ઊભું ન કરી શકે.
કંપનીએ આ લેખ માટે પ્રતિક્રિયા નથી આપી, પરંતુ તેણે કહ્યું છે કે યુદ્ધ અંગે જે સટ્ટાકીય દાવ લાગી રહ્યા છે, તે અમેરિકા બહારના અનિયંત્રિત બજારોમાં લાગી રહ્યા છે.
આગાહી કરતી ઍપ્સ અને માર્કેટ્સ ઉપર કેવી રીતે નિયંત્રણ લાદવું જોઈએ, તેની ચર્ચા થઈ રહી હતી, એવામાં યુદ્ધસંબંધિત સટ્ટાકીય પ્રવૃત્તિને કારણે તેમની ઉપર નિયંત્રણ લાદવા વિશે ફરીથી વ્યાપકપણે ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે.
અમેરિકામાં બેટિંગ ઍપ્સ પર કાયદો ઘડવામાં શું મુશ્કેલી છે
ઇમેજ સ્રોત, Getty Images
પરંપરાગત ગૅમિંગ કંપનીઓ કઈ-કઈ બાબતો અને કેવી-કેવી શક્યતાઓ ઉપર સટ્ટો લાગી શકે, એ બાબત જાતે નક્કી કરે છે.
એની સામે ‘આગાહીનું બજાર’ શૅરબજારની જેમ વર્તે છે. જેમાં વપરાશકર્તા એકબીજા સાથે ભવિષ્યની કોઈ ઘટના સંદર્ભે “બનાવ ઉપર બોલી” કરે છે.
આને કારણે કૉમોડિટીઝ ફ્યૂચર્સ ટ્રેડિંગ કમિશન (સીએફટીસી) જેવી રાષ્ટ્રીય નાણાકીય નિયામક સંસ્થાઓ આંખ આડા કાન કરે છે.
અમેરિકામાં ગૅમિંગ કંપનીઓ ઉપર રાજ્યોનું નિયંત્રણ હોય છે. તેમણે કડક નિયમોનું પાલન કરવાનું હોય છે અને ટૅક્સ ભરવાનો હોય છે.
ટીકાકારોનું કહેવું છે કે રમત ઉપરની સટ્ટાકીય તથા જુગારુપ્રવૃત્તિને ફાઇનાન્સિયલ ઍક્સચેન્જની જેમ દર્શાવવામાં આવે છે. જેથી કરીને તેમની ઉપર કડક નિયમ કે ટૅક્સ લાગુ ન પડે.
આ પ્રકારની ઍપ ઉપર નિયંત્રણ લાદવા માટેના કાયદા કોણ ઘડી શકે, તે માટે અમેરિકામાં અનેક સ્થળોએ કાયદાકીય લડાઈઓ ચાલી રહી છે.
રાજ્ય સરકારોનું કહેવું છે કે રમતગમત ઉપર સટ્ટો રમાડતી કંપનીઓની જેમ આ પ્રકારની કંપનીઓ ઉપર નિયંત્રણ લાદવાનો તેને અધિકાર છે અને આ બાબત સીએફટીસી હેઠળ ન આવે.
આ અંગે રિપબ્લિકનોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. પરંપરાગત ગૅમિંગ કંપનીઓએ પણ લૉબિંગની પ્રવૃત્તિ હાથ ધરી છે. તેઓ ઇચ્છે છે કે ટ્રમ્પ સરકારના પૂર્વ અધિકારી માઇક મૂલવાને તેમની વાત સરકાર સુધી પહોંચાડે.
બેટર માર્કેટ્સ નામની સંસ્થા નાણાકીય સુધાર માટે કાર્યરત છે. સંસ્થાના સિક્યૉરિટી પૉલિસી ડાયરેક્ટર બૅન સ્કિફ્રિનનું કહેવું છે, “જુગારની પ્રવૃત્તિની બંધ કરવા કોઈ નથી કહી રહ્યું.”
સાથે જ ઉમેરે છે, “રાજ્યો તથા અન્ય હિમાયતીઓ એમ કહી રહ્યા છે કે જે પ્રવૃત્તિ જુગારની છે, તેનું નિયમન જુગારની જેમ જ થવું જોઈએ.”
ઇઝરાયલ, વેનેઝુએલા અને ઈરાનમાં સૈન્યઅભિયાનો વિશે સંદિગ્ધ સમયે લગાડવામાં આવેલા સટ્ટાકીય દાવે આ પ્રકારની ચર્ચાને જોર આપ્યું છે.
યુદ્ધ સંબંધી સટ્ટા પર નિયંત્રણની માગ કેમ થઈ રહી છે
તાજેતરમાં ડેમોક્રેટ્સ દ્વારા એ બિલ રજૂ કર્યું છે, જે મુજબ, કોઈપણ સંઘીય કર્મચારી “બનાવ સંબંધે બોલી” ન લગાડી શકે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં આવ્યા છે, એવી સત્તાવાર જાહેરાત થઈ, એ પહેલાં એક સટ્ટોડિયાએ પૉલિમાર્કેટ ઉપર આની ઉપર દાવ રમીને લગભગ પાંચ લાખ ડૉલર રળ્યા હતા.
તેમણે ગ્રાહકોને ચેતવણી આપીને ઇનસાઇડર ટ્રેડિંગના જોખમો સામે સાવધ કર્યા છે. સાથે જ સરકારને લખ્યું છે કે યુદ્ધલક્ષી સટ્ટા ઉપર નિયંત્રણ લાદતા નિયમોનો કડકાઈપૂર્વક અમલ કરાવે. જોકે, આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર નજીકના સમયમાં નિયંત્રણ લાદવામાં આવે, તેવી શક્યતા નહિવત્ છે.
બાઇડન સરકારે આ ક્ષેત્ર સામે કડક વલણ અપનાવ્યું હતું અને સ્પૉર્ટ્સ તથા રાજકીય મુદ્દે “બનાવ બાબતે બોલી” ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. નિયમન માટેના આ પ્રસ્તાવને અદાલતે ફગાવી દીધો હતો.
એ પછી વર્ષ 2024માં ચૂંટણી સમયે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ સત્તા ઉપર આવશે તો આ સેક્ટર સાથે હળવાશપૂર્વક વર્તશે.
ફેબ્રુઆરી-2026માં સીએફટીએ કહ્યું હતું કે તે સ્પૉર્ટ્સ અને ચૂંટણીસંબંધિત સટ્ટાકીય કરારો ઉપરનો પ્રસ્તાવિત પ્રતિબંધ પાછો ખેંચી લેશે.
આ પ્રકારના ‘આગાહી બજારો’ સામે અમેરિકાનાં અલગ-અલગ રાજ્યોમાં કેસ ચાલી રહ્યા છે. ત્યાં પણ ટ્રમ્પ સરકારે આ કંપનીઓનો પક્ષ લીધો છે. સીએફટીસીના વડા મિચેલ સૅલિગે તાજેતરના એક સંપદાકીય લેખને “અતિઉત્સાહિત” કહી વખોડી કાઢ્યો હતો.
તેમણે દલીલ આપી હતી કે આ પ્રકારના બનાવસંબંધિત કરારો “કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ છે,” કારણ કે તેનાથી ઉદ્યોગગૃહો સંભવિત બનાવને કારણે જે સંભવિત આર્થિક જોખમ ઊભું થવાનું હોય, તેની ભરપાઈ કરી શકે છે.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ પ્રકારના પ્લૅટફૉર્મોએ નિયમોનું પાલન કરવું જોઈએ, સાથે જ ઉમેર્યું હતું, “એક વાત સ્પષ્ટ છે કે અમેરિકનોને આ પ્રોડક્ટ ગમે છે અને તેઓ સામેલ થવા માંગે છે.”
પૉલીમાર્કેટે ઔપચારિક રીતે જાહેરાત કરી છે કે તે સંદિગ્ધ પ્રવૃત્તિ ઉપર ચાંપતી નજર રાખશે. કલસીએ ઇન્સાઇડર ટ્રેડિંગ સામે અવાજ ઉઠાવ્યો છે.
કલસીનું કહેવું છે કે તેણે તાજેતરમાં બે કેસમાં ઇનસાઇડર ટ્રેડિંગ બદલ કાર્યવાહી કરી હતી અને ગત વર્ષે લગભગ 200 જેટલી બાબતમાં તપાસ હાથ ધરી હતી.
બેટિંગ ઍપ કંપનીનું શું કહેવું છે?
કંપનીએ ખામેનેઈને હઠાવવા માટેનાં આગાહીનાં બજારને બંધ કરી દીધું હતું. તેને બંધ કરવામાં આવ્યું એ પહેલાં તેની ઉપર પાંચ કરોડ 40 લાખના સોદા થયા હતા.
કંપનીએ કેટલાંક નિવેદન બહાર પાડીને તેણે આવો નિર્ણય શા માટે લીધો, તેની સ્પષ્ટતા કરી હતી. કંપનીનું કહેવું છે કે તે “કોઈનાં મૃત્યુ સાથે સીધી રીતે જોડાયેલું બજાર” શરૂ નથી કરવા દેતી.
કંપનીનું કહેવું છે કે તેણે આ ઘટનાક્રમમાંથી બોધપાઠ લીધો છે અને બજારને વધુ સુઘડ બનાવશે.
આમ છતાં વપરાશકર્તાઓએ આ નિર્ણય ઉપર સવાલ ઉઠાવ્યા હતા. સ્ટૂ સહિતના લોકોનું કહેવું છે કે શરૂ-શરૂમાં તો કંપનીએ (કલસી) આ બાબતને નિયમો હેઠળ “દફનાવી” દેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જે ખુલાસો આપ્યો હતો તે પણ આયોજનપૂર્વકનો હોય એવું લાગતું હતું. ખામેનેઈના પતન અંગે “અમુક જ વાસ્તવિક રીતો” છે, એમ કહેવામાં આવ્યું હતું.
સ્ટૂને રિફંડ મળી ગયું હતું. તેમનું કહેવું છે કે નિયમન રાખવાથી આ પ્રવૃત્તિ બંધ થઈ જશે કે નહીં, તે વાત ખાતરીપૂર્વક કહી ન શકાય. તેઓ કહે છે કે ચર્ચા થઈ રહી છે તે સારી બાબત છે, પરંતુ શબ્દોની રમત થઈ રહી છે.
“તેઓ કૉન્ટ્રાક્ટ ટ્રેડિંગની વાત કરી રહ્યા છે. મને લાગે છે કે ટેક્નિકલ રીતે જોવા જઈએ, તો આ બધું એ જ છે. છતાં આપણે પ્રમાણિકપણે વાત કરીએ, તો તે સટ્ટો જ છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



