Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
ઈરાને અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધના ભાગ રૂપે અખાતના ક્ષેત્રમાં મિસાઇલ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે.
ઈરાનના દક્ષિણ પાર્સ પર ઇઝરાયલના હુમલા બાદ જવાબી કાર્યવાહી માટે ઈરાને ગુરુવારે કતારના રાસ લાફાન ઊર્જા પરિસર પર હુમલો કર્યો. આ બંને કેન્દ્રો વિશ્વનાં સૌથી મોટાં પ્રાકૃતિક ગૅસ ક્ષેત્રોનો ભાગ છે.
અત્યાર સુધી કતાર અને અન્ય અખાતના દેશોએ વારંવાર નિશાન બનાવાયા છતાં ઈરાન સામે જવાબી કાર્યવાહી નથી કરી.
આ દેશો હુમલા કરવાનું કેમ ટાળી રહ્યા છે અને એ કઈ બાબત છે જે તેમને કાર્યવાહી કરવા માટે મજબૂર કરી શકે છે?
વધુ ખતરો, ફાયદો ઓછો
જ્યારે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ સંયુક્ત લશ્કરી કાર્યવાહી શરૂ કરી ત્યારે તહેરાને કોઈ પણ જાતના વિલંબ વિના માત્ર ઇઝરાયલ પર જ નહીં, પરંતુ અમેરિકાના સહયોગી અખાતના દેશો પર પણ હુમલા કર્યા.
બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને ખાસ કરીને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
અખાતના દેશોના અધિકારીઓનું કહેવું છે કે આ ક્ષેત્રમાં અમેરિકન લશ્કરી થાણાં પર હુમલા કરવાની સાથોસાથ, ઈરાને નાગરિક આંતરમાળખા પર પણ હુમલો કર્યો છે, જેમાં ઍરપૉર્ટ, હોટલ, રહેણાક વિસ્તારો અને ખાસ કરીને ઊર્જા મથકો સામેલ છે.
તેમ છતાં, અખાતના દેશોએ હજુ સુધી ખુદ ઈરાન સામે કોઈ હુમલો કર્યો નથી અને તેઓ પ્રત્યક્ષપણે યુદ્ધમાં સીધા સામેલ થવાનું ટાળી રહ્યા છે.
યુએસ થિંક ટૅન્ક સેન્ટર ફૉર ઇન્ટરનૅશનલ પૉલિસીના સિનિયર નૉન-રેસિડેન્ટ ફેલો સિના તૂસીના જણાવ્યા અનુસાર, “તેમના દૃષ્ટિકોણ પ્રમાણે આ તેમનું યુદ્ધ નથી, અને જવાબી કાર્યવાહી તેમને કમજોર દર્શકમાંથી એક મોટા લક્ષ્યમાં તબદીલ કરી શકે છે, કારણ કે તેમના માટે કંઈક પ્રાપ્ત કરવાના લાભ કરતાં ગુમાવવાની દૃષ્ટિએ ઘણું બધું દાવ પર છે.”
તેમના મતે, “પાછા હઠવાનો આ નિર્ણય જોખમ, વ્યૂહાત્મક વિચાર અને મર્યાદિત ફાયદાની મિશ્ર ભાવનામાંથી આવે છે.”
અખાતનાં અર્થતંત્રો ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિપિંગ અને રોકાણકારોના વિશ્વાસ પર આધારિત છે, અને “ઈરાને દેખાડી દીધું કે એ બધામાં અવરોધ ઊભો કરી શકાય છે.”
ખાસ કરીને, ઈરાન પર્સિયન ગલ્ફ અને હોર્મુઝની સામુદ્રધુનીનો ઉપયોગ કરી રહ્યું છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ જળમાર્ગ છે.
જોકે, ટ્રેન્ડ્સ રિસર્ચ ઍન્ડ ઍડ્વાઇઝરીના સિનિયર મૅનેજિંગ ડિરેક્ટર અને ટ્રમ્પ પ્રશાસનમાં પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી બિલાલ સાબ કહે છે કે, જો અખાતના દેશો ઈરાન પર હુમલો નહીં કરે, તો “તેઓ તહેરાનને સંકેત આપી રહ્યા છે કે તે પરિણામ વિના નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે.”
તેમના મતે, “જવાબી હુમલાનો ઉદ્દેશ ઈરાનને ટૂંકા ગાળામાં હુમલાઓ રોકવા માટે દબાણ કરવાનો અને લાંબા ગાળે ભવિષ્યમાં ઈરાની હુમલાઓ સામે અમુક અંશે અવરોધ પેદા કરવાનો રહેશે.”
જોકે, તેઓ ઉમેરે છે કે આ જોખમ “ખૂબ મોટું” હશે, કારણ કે એ વાત સ્પષ્ટ નથી કે અખાતના દેશોના હુમલા યુદ્ધને કેટલું પ્રભાવિત કરશે કે વ્યૂહાત્મક રીતે યોગ્ય હશે કે કેમ.
કિંગ્સ કૉલેજ લંડનના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ સ્ટડીઝમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાના લેક્ચરર રૉબ ગેસ્ટ પિનફોલ્ડના મતે, અખાતના દેશોમાં પણ ઇઝરાયલ સાથે ખુદને જોડવા અંગે ખચકાટ છે.
તેઓ કહે છે કે, “વિચાર એ છે કે ઇઝરાયલે અમેરિકાને આ યુદ્ધમાં ખેંચી લીધું છે.”
‘2003ની યાદો’
ઇમેજ સ્રોત, EPA
પિનફોલ્ડના મતે, અખાતના દેશોના ઘણા નેતાઓ માટે, અમેરિકાના વડપણ હેઠળ ઇરાક સાથે થયેલા યુદ્ધનો વારસો આજે પણ પ્રાદેશિક વિચારસરણીને પ્રભાવિત કરે છે.
અમેરિકાએ 2003માં ઇરાક પર આક્રમણ કર્યું અને ટૂંક સમયમાં જ સદ્દામ હુસૈનની સરકારને ઉથલાવી દીધી. જોકે, આનાથી સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો, જેના કારણે બળવાખોરી, સાંપ્રદાયિક હિંસા અને લાંબા સમય સુધી અસ્થિરતાનો માહોલ સર્જાયો.
પિનફોલ્ડ કહે છે, “2003નો પડછાયો હજુ પણ મોજૂદ છે. તેમને ડર હતો કે આનાથી અરાજકતા અને અસ્થિરતાના દરવાજા ખૂલી જશે અને ઈરાનને તેનો પ્રભાવ વધારવાની તક મળશે. તેમની આ આશંકા ઘણી ખરી હદ સુધી સાચી સાબિત થઈ.”
પિનફોલ્ડ કહે છે કે અખાતના દેશોને હવે ડર છે કે અમેરિકા સ્પષ્ટ લક્ષ્ય વિના “ખુલ્લું અભિયાન” ચલાવી રહ્યું છે અને બાદમાં ક્ષેત્રને “સમસ્યાઓ સાથે છોડી દેશે.”
ઇમેજ સ્રોત, Reuters
અમેરિકા અને ઇઝરાયલના આ યુદ્ધ અંગે અખાતના દેશોમાં ગુસ્સો હોવા છતાં, તેઓ અમેરિકન લશ્કરી સુરક્ષા પર ઘણા આધારિત છે.
તેઓ યુએસ લશ્કરી થાણાં અને સૈનિકોની મેજબાની કરે છે, ગુપ્ત માહિતી શૅર કરે છે અને ઘણી હદ સુધી અમેરિકન ઍર ડિફેન્સ પ્રણાલીઓ પર આધારિત છે.
અખાતના દેશોના અધિકારીઓના મતે, આ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ ઈરાનના મોટા ભાગના મિસાઇલ હુમલા રોકી દીધા છે.
પિનફોલ્ડ કહે છે, “રાજકીય સ્તરે પ્રશ્નો ઉઠાવાયા હોવા છતાં, લશ્કરી સ્તરે આ સંબંધ મજબૂત સાબિત થયો છે.”
ગયા મહિને હુમલા શરૂ કર્યા પછી, અમેરિકાએ તેના લશ્કરી અભિયાન માટે વિવિધ લક્ષ્ય જણાવ્યાં છે, જેમાં ઈરાનની પરમાણુ હથિયાર વિકસાવવાની ક્ષમતાને ખતમ કરવાથી માંડીને શાસન પરિવર્તન સામેલ છે.
છતાં, અખાતના દેશોના નેતાઓ માને છે કે હુમલાને રોકવા માટે રાજદ્વારી પ્રયાસ એકમાત્ર રસ્તો છે.
“તેમના પર હુમલો ન થાય તેની ખાતરી કરવાનો એક જ રસ્તો છે, અને એ છે સમાધાન પર પહોંચવું.”
વહેંચાયેલું ક્ષેત્રીય સમીકરણ
ઇમેજ સ્રોત, Reuters
પિનફોલ્ડના મતે, ઈરાને બધા અખાતના દેશોને સમાન તીવ્રતાથી નિશાન બનાવ્યા નથી, જે તેમની પરસ્પરના સંબંધો બતાવે છે.
સંયુક્ત આરબ અમીરાત આ યુદ્ધમાં સૌથી વધુ હુમલાનો ભોગ બનેલા દેશો પૈકી એક છે.
2020માં તેણે અને બહેરીને ઇઝરાયલ સાથેના સંબંધો સામાન્ય કર્યા હતા.
તેનાથી વિપરીત, ઈરાન અને પશ્ચિમ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર ઓમાનને ઓછું લક્ષ્ય બનાવવામાં આવ્યું છે.
પિનફોલ્ડ કહે છે, “ઈરાનના નવા સર્વોચ્ચ નેતા (મોજતબા ખામેની)ને અભિનંદન આપનાર ઓમાન અખાતનો એકમાત્ર દેશ હતો.” “આ વાત અન્ય અખાતના દેશો અનુકૂળ ન આવી.”
દુબઈ પબ્લિક પૉલિસી રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર જનરલ મોહમ્મદ બહારૂન કહે છે, “ઈરાન અખાતના દેશોને પોતાની સામે એક મોટા ગઠબંધન તરફ ધકેલી રહ્યું છે.”
“અખાતના દેશો પર હુમલો કરીને તે તેમને દુશ્મન બનાવી રહ્યું છે અને મોટા યુદ્ધનું જોખમ વધારી રહ્યું છે, જે કોઈ ઇચ્છતું નથી.”
ગયા બુધવારે સાઉદી અરેબિયામાં અખાતના દેશોના વિદેશમંત્રીઓની બેઠક બાદ, આરબ દેશોએ યુએન ચાર્ટરની અનુચ્છેદ 51 હેઠળ આત્મરક્ષણના તેમના અધિકાર પર ભાર મૂક્યો.
જવાબી કાર્યવાહીનું કારણ શું બની શકે?
યુકે થિંક ટૅન્ક આરયૂએસઆઇના સિનિયર ઍસોસિયેટ ફેલો ડૉ. એચએ હેલિયર કહે છે, “રાજકીય ગણતરી ઝડપથી બદલાઈ શકે છે, ખાસ કરીને જો ઊર્જા નિકાસ પર હુમલા ચાલુ રહે અથવા વધે તો. હાલ પૂરતું તો અખાતના દેશો જવાબી કાર્યવાહી કરવાનું ટાળી રહ્યા છે.”
તેમના મતે, ઊર્જા ઠેકાણાં પર મોટો હુમલો આ વિચારસરણીને બદલી શકે છે.
ગયા અઠવાડિયે ગુરુવારે કતારના રાસ લાફાન ઊર્જા સંકુલ પર હુમલો કર્યા પછી, ઈરાને ચેતવણી આપી હતી કે જો તેનાં ઠેકાણાં પર હુમલા ચાલુ રહેશે તો તે અમેરિકાના અખાતના સાથીઓને “સંપૂર્ણપણે તબાહ” કરી દેશે.
જો ઈરાનના પ્રાદેશિક સહયોગી સીધા તેમને નિશાન બનાવે તો અખાતના દેશોનું વલણ પણ બદલાઈ શકે છે.
પિનફોલ્ડ કહે છે, “જો હુથીઓ તેમના પર હુમલો કરે, તો એ વાત એક નવો મોરચો ખોલી દેશે.”
આવી સ્થિતિમાં અખાતના દેશો આ સંઘર્ષને ફક્ત અમેરિકા અને ઇઝરાયલનો જ નહીં, પરંતુ પોતાનો પણ ગણી શકે છે.
અખાતના દેશોએ કોઈ પણ સંજોગોમાં ભલે હજુ સુધી કોઈ જવાબી કાર્યવાહી નથી કરી. પણ પિનફોલ્ડના મતે ઈરાનની વ્યૂહરચના “અત્યંત જોખમી” છે.
તેઓ કહે છે, “ઈરાન અખાતના દેશો સાથેના તેના તમામ સંબંધોનો અંત લાવી રહ્યું છે, જે દર્શાવે છે કે તે આ સંઘર્ષને કેટલો ગંભીર માને છે.”
ઇમેજ સ્રોત, Reuters
હેલિયર કહે છે કે અખાતના દેશો અનંત કાળ સુધી માટે હુમલા સહન કરશે નહીં, ખાસ કરીને જ્યારે નાગરિક વિસ્તારો નિશાન હોય.
અંતમાં તેમનું માનવું છે કે અખાતના દેશો પર દબાણ લાવવાની ઈરાનની વ્યૂહરચના વિપરીત પરિણામ લાવી શકે છે.
“તેઓ નક્કી કરી શકે છે કે ભલે તેઓ શરૂઆતમાં યુએસ-ઇઝરાયલ યુદ્ધનો વિરોધ કરતા હતા, પરંતુ હવે તેમની પોતાની સુરક્ષા જોખમમાં છે અને તાત્કાલિક ખતરાને દૂર કરવા માટે યુએસને ટેકો આપવો વધુ યોગ્ય રહેશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



