Home તાજા સમાચાર gujrati આધાશીશીની એક એવી સારવાર જે દર્દીઓ માટે આશાનું કિરણ લઈને આવી

આધાશીશીની એક એવી સારવાર જે દર્દીઓ માટે આશાનું કિરણ લઈને આવી

6
0

Source : BBC NEWS

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images/BBC

વિશ્વભરના એક અબજ કરતાં વધારે લોકો માઇગ્રેનના અસહ્ય દર્દથી રાહત મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે આ કમજોર કરી દેતી સમસ્યાને નાથવા માટે સંશોધન થકી નવી ઉપચાર પદ્ધતિઓ વિકાસ પામી રહી છે.

રોજ સવારે, દાંત બ્રશ કરવાના અને સ્કીનકેર રૂટિનની વચ્ચેના ગાળામાં મેગન ડેનિયલ્સ અરીસામાં જોઈને વૉકી-ટૉકી જેવા દેખાતા એક નાના ઉપકરણથી ગરદનના બાજુના ભાગમાં મસાજ કરે છે.

મેગન આ ઉપકરણને તેમનાં જડબાંની નીચે ફેરવે છે અને ઝણઝણાટી થવા માંડે અને હોઠની કિનારી નીચે તરફ ખેંચાવા માંડે, ત્યાં સુધી તેને ત્યાં જ ગોઠવી રાખે છે.

બ્રિટનના લિવરપૂલમાં રહેતાં 35 વર્ષીય ડેનિયલ્સ કહે છે, “તેનાથી ઘણો આરામ મળે છે. એવું લાગે છે કે, જાણે મસ્તિષ્કમાં વેવ્ઝ જઈ રહ્યાં હોય.” રોજ તેઓ લન્ચ બ્રેકમાં આ મસાજ કરે છે અને સૂતાં પહેલાં મેકઅપ હઠાવતી વખતે આ મસાજનું પુનરાવર્તન કરે છે. તેઓ માઇગ્રેનથી રાહત મેળવવા માટે આ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યાં છે.

માઇગ્રેન એ વિશ્વભરના એક અબજ કરતાં વધુ લોકોને પ્રભાવિત કરનારી ગંભીર ન્યૂરોલૉજિકલ સમસ્યા છે. આ બીમારીથી પીડાતા મોટા ભાગના દર્દીઓમાં અવાર-નવાર માથાનો તીવ્ર દુખાવો થવો, ચક્કર આવવા કે પછી પ્રકાશ દેખાતો હોવાનાં લક્ષણો પ્રગટ થતાં હોય છે.

ડેનિયલ્સ તેમના ચહેરા અને માથા સુધી જતી નસોને ઉત્તેજિત કરવા માટે વિદ્યુત તરંગોનો ઉપયોગ કરતા એક ન્યૂરોમૉડ્યુલેશન ઉપકરણનો વપરાશ કરે છે. ડેનિયલ્સ કહે છે, “તેનો ઉપયોગ કરવાથી હું જાણે એક પ્રકારની સંમોહન અવસ્થામાં જતી રહી હોઉં, એવી અનુભૂતિ થાય છે.”

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

વૈજ્ઞાનિકો માઇગ્રેનને ઉકેલવા તરફ

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

માઇગ્રેનની સમસ્યા આટલી વ્યાપક હોવા છતાં તે થવાનું ચોક્કસ કારણ અને તેનાં લક્ષણોનું જોવા મળતું વૈવિધ્ય હજુયે એક વૈજ્ઞાનિક રહસ્ય છે, પરંતુ સંશોધકો હવે આ મૂંઝવનારી બીમારીને ઉકેલવા તરફ આગળ વધી રહ્યા છે, તેમ તેમ તેના ઇલાજના નવા ઉપાયો પણ શોધી રહ્યા છે.

મસ્તિષ્કની અંદર મોજૂદ સૂક્ષ્મ પ્રોટીન્સને પ્રભાવિત કરવાથી માંડીને વિદ્યુત કે ચુંબકીય તરંગોથી મસ્તિષ્કનો ઇલાજ કરવા સુધી, માઇગ્રેનથી પીડાતા લોકો પાસે આ પીડાદાયક અને કમજોર કરી દેતી સ્થિતિ નિવારવા માટે આજે ઘણા ઉપાયો મોજૂદ છે.

વળી, નવા સંશોધનના આધારે જાણવા મળે છે કે, ભવિષ્યમાં હજુ વધુ ઉપાયો ઉપલબ્ધ થશે. છતાંયે, માઇગ્રેનથી છુટકારો મેળવવાથી હજુ આપણે કેટલા દૂર છીએ?

અમેરિકાના મિનેસોટાસ્થિત માયો ક્લિનિકના ન્યૂરોલૉજિસ્ટ નારાયણ કિસૂન કહે છે, “આ તબક્કે માઇગ્રેનની સારવાર કરવી અદભુત છે. મેં જ્યારે એકાદ દાયકા પહેલાં મારી પ્રેક્ટિસ શરૂ કરી હતી, તે સમયે મારી પાસે જે ઉપલબ્ધ ઉપચારો હતા, તે હાલના સમય કરતાં ઘણા જ ઓછા હતા.”

તેમ છતાં, માઇગ્રેનની સારવાર કરવી હજુયે મુશ્કેલ છે. તે વિશ્વમાં વિકલાંગતાનું બીજું સૌથી સામાન્ય કરાણ છે, અને છતાંયે દરેક વ્યક્તિનો બીમારી પ્રત્યેનો અનુભવ જુદો-જુદો હોય છે.

મોટા ભાગના દર્દીઓને વત્તે-ઓછે અંશે માથાના એક ભાગમાં દુખાવો થતો હોય છે. માથાનો દુખાવો સણકા મારે, તેવો તીવ્ર કે પછી હળવો હોઈ શકે છે. કેટલાક લોકોને ઊલટી અને ઊબકાં આવે છે, પ્રકાશ, ધ્વનિ, ગંધ અને ગતિવિધિ પ્રત્યે સંવેદનશીલતા અનુભવાય છે. 25 ટકા કેસોમાં, દૃષ્ટિ ક્ષેત્રમાં સ્વરૂપ બદલતો પ્રકાશ જોવા મળે છે, જે આભા (ઓરા) તરીકે ઓળખાય છે.

માઇગ્રેનના ત્રણ-ચતુર્થાંશ દર્દીઓ મહિલાઓ હોય છે. વળી, બાળકોને પણ આ બીમારી લાગુ પડી શકે છે, અમુક બાળકોને પેટના તીવ્ર દુખાવા સ્વરૂપે તેનો અનુભવ થાય છે.

અમેરિકામાં યુનિવર્સિટી ઑફ મિયામી હેલ્થ સિસ્ટમના માથાના દુખાવાના વિભાગનાં વડાં તેશામે મોન્ટેથ જણાવે છે, “માઇગ્રેન માટે કોઈ વસ્તુનિષ્ઠ માપદંડ નથી અર્થાત્ તેના માટે લૅબ ટેસ્ટ કે બાયોમાર્કર ઉપલબ્ધ નથી.”

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

માઇગ્રેનની સારવાર કરવી આટલી મુશ્કેલ શા માટે?

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

માઇગ્રેનના દર્દીઓમાં ઘણી વિવિધતા જોવા મળતી હોવાથી ન્યૂરોલૉજિકલ સ્થિતિ માટેની સારવાર પણ અનિશ્ચિતતાભરી છે. કેટલાક દર્દીઓને તત્કાળ આરામ મળી જતો હોય છે, જ્યારે કેટલાક દર્દીઓને જુદી-જુદી સારવારોથી પણ કોઈ લાભ થતો નથી.

હું સ્વયં માઇગ્રેનથી પીડાઉં છું. પેરાસિટામોલ કે પછી આઇબુપ્રોફેન જેવી સામાન્ય પેઇનકિલર દવાથી મારો માઇગ્રેનનો ઍટેક તરત શાંત થઈ જાય છે. વિજ્ઞાનીઓએ ખાસ માઇગ્રેન માટેની જ દવાઓ પણ વિકસાવી છે, જે મસ્તિષ્કની રક્તવાહિનીઓને સંકુચિત કરે છે, સેરોટોનિન રિસેપ્ટર્સને ટાર્ગેટ કરે છે અને દર્દની નસોને શાંત કરી દે છે. જોકે, અભ્યાસો પરથી માલૂમ પડ્યું છે કે, આ દવાઓ લીધા બાદ બે-તૃતીયાંશ દર્દીઓને બે કલાક પછી દરદમાંથી છુટકારો મળી જાય છે, પણ મારા પર આ દવાઓ બિલકુલ અસર કરતી નથી.

વધુ એક મશ્કેલી એ છે કે, વારંવાર પેઇનકિલર દવાઓનું સેવન કરવાથી માઇગ્રેનની સમસ્યા વધી જાય છે, જે સ્થિતિ “વધુ પડતી દવાઓ લેવાથી થતા માથાના દુખાવા” તરીકે ઓળખાય છે.

વળી, માઇગ્રેનના ઍટેક્સ ઘણી વખત વધુ માઇગ્રેન ઍટેક્સ જન્માવતા હોવાથી તે સમયાંતરે થતા ઍટેક (એપિસોડિક ઍટેક)માંથી ગંભીર (ક્રોનિક) ઍટેકનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

પરંતુ વાત માત્ર ઍટેક દરમિયાન તેનો ઉપચાર કરવાની નથી. ઘણા ખરા દર્દીઓ ઍટેક શરૂ થતાં પહેલાં જ તેને ખાળી શકાય, તેવી સારવાર પસંદ કરે છે.

છેલ્લા ઘણા દાયકાઓમાં ડૉક્ટરોએ અન્ય બીમારીઓ માટે વિકસાવવામાં આવેલી ઘણી દવાઓ મેળવી છે – જેમ કે હૃદયરોગની દવાઓ, ડિપ્રેશનવિરોધી દવાઓ, વાઈ વિરોધી દવાઓ – જે માત્રામાં ફેરફાર કરવાથી માઇગ્રેનને પણ અટકાવે છે, પરંતુ આ દવાઓ ઘણી વખત તીવ્ર આડઅસરો ધરાવતી હોય છે અને દરેક વ્યક્તિ પર એકસમાન દવાઓ અસર નથી કરતી.

માઇગ્રેનની સારવારમાં કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ સફળતા ત્યારે મળી, જ્યારે વિજ્ઞાનીઓએ મસ્તિષ્ક પાસે આવેલી રક્તવાહિનીઓમાં મળી આવતા અણુઓની ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

માઇગ્રેન ઍટેક્સ અને દવાઓ

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

1990ના દાયકાના પ્રારંભમાં વિજ્ઞાનીઓએ 32 દર્દીઓની ગરદનની નસોમાંથી લોહી મેળવ્યું હતું. મસ્તિષ્કમાં પરિભ્રમણ કર્યા બાદ હૃદય તરફ પરત ફરી રહેલા આ લોહીમાં કેલ્સિટોનિન જીન-સંબંધિત પેપ્ટાઇડ્ઝ અથવા તો સીજીઆરપી નામના પ્રોટીનના ટુકડાઓની ભરમાર હતી.

સીજીઆરપી એ નાનાં પ્રોટીન હોય છે, જે ન્યૂરોનની ગતિવિધિ અને સંવેદનશીલતાને વધારે-ઓછી કરવા માટે ડિમર સ્વિચની માફક કામ કરે છે.

ન્યૂઝીલૅન્ડની યુનિવર્સિટી ઑફ ઓટાગોમાં ફાર્માકોલૉજી ઍન્ડ ટોક્સિકોલૉજીનાં પ્રોફેસર ડૉક્ટર ડૅબી હૅ જણાવે છે કે, માઇગ્રેનના ઍટેક દરમિયાન તે પ્રોટીન ઊંચી સાંદ્રતામાં જોવા મળે છે, ન્યૂરોન કોષોની આસપાસ સતત સક્રિય રહીને તેમની સંવેદનશીલતામાં વધારો કરે છે.

અભ્યાસો સૂચવે છે કે, માઇગ્રેનથી પીડાતા લોકોના લોહીમાં સીજીઆરપીનું પ્રમાણ વધારે હોય છે, પછી ભલે તેમને માઇગ્રેનનો ઍટેક ન આવી રહ્યો હોય. વિજ્ઞાનીઓએ દર્દીઓને ઉમેરારૂપ સીજીઆરપીનું ઇન્જેક્શન આપીને માઇગ્રેનના ઍટેક પણ ઉત્પન્ન કર્યા છે.

હૅ જણાવે છે કે, સીજીઆરપીને અવરોધવાથી સિગ્નલિંગ ઘટાડીને અને તે અતિસંવેદનશીલતાને રિસેટ કરીને માઇગ્રેનના ચાલી રહેલા ઍટેકને અટકાવવામાં મદદ મળી શકે છે. જોકે, તેનો અર્થ એ નથી કે, તે પેપ્ટાઇડ માઇગ્રેનનું મૂળ કારણ છે, પરંતુ તે લક્ષણોનું કારણ બનતા વધુ પડતા સંકેતોને ઘટાડવા માટેનું એક મજબૂત જૈવિક તંત્ર છે.

અમેરિકાના સેન્ટ લુઇસસ્થિત વૉશિંગ્ટન યુનિવર્સિટી ખાતે સેન્ટર ફૉર ક્લિનિકલ ફાર્માકોલૉજીનાં ડાયરેક્ટર એમીના પ્રધાન જણાવે છે, “વાત અહીં આવીને જ અટકી જાય છે – ઑન સ્વિચ ક્યાં છે અને ઑફ સ્વિચ ક્યાં છે?”

આ તંત્રની શોધને કારણે સીજીઆરપીને ટાર્ગેટ કરનારી આઠ દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. આ પૈકીની કેટલીક દવાઓ ઍન્ટિબોડીઝનો ઉપયોગ કરે છે, જે લોહીમાં મોજૂદ તમામ સીજીઆરપીનો નિકાલ કરે છે અને કેટલીક દવાઓ પેપ્ટાઇડને તંત્રિકા કોશિકાઓને સક્રિય કરતાં અટકાવે છે.

પ્રધાન જણાવે છે, “માઇગ્રેનના દર્દીઓ માટે તે દવાઓ સાચે જ લાભકારક નીવડી છે. તેનાથી સારવારના વિકલ્પોનો અવકાશ વધી ગયો છે.”

2025ના એક અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે, એક વર્ષ સુધી સીજીઆરપીનું સેવન કરનારા 70 ટકા દર્દીઓમાં માઇગ્રેન ઍટેકના આવર્તનમાં 75 ટકાનો ઘટાડો થઈ ગયો હતો, જ્યારે 23 ટકા લોકોને માઇગ્રેન ઍટેક્સથી સંપૂર્ણ છુટકારો મળી ગયો હતો. સમાન ટીમે હાથ ધરેલા એક અન્ય અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, સીજીઆરપી થૅરપીથી રાહત મેળવનારા લોકોની સંખ્યા વર્ષો વીતવા સાથે વધી હતીઃ પ્રથમ વર્ષ પછી લગભગ 50 ટકા દર્દીઓના ઍટેક અડધા થઈ ગયા, પણ ત્રણ વર્ષો પછી આ આંકડો 70 ટકા દર્દીઓ સુધી પહોંચી ગયો. જોકે, આ દવાઓ દેખાય છે, તેટલી ચમત્કારી નથી. 2020માં 4,000 કરતાં વધુ દર્દીઓ પર કરવામાં આવેલા 11 અલાયદા અભ્યાસોની સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે, દર્દીઓએ દર મહિને માઇગ્રેનના દિવસોમાં સરેરાશ માત્ર 1.5 દિવસનો ઘટાડો અનુભવ્યો હતો.

ડેનિયલ્સના મામલામાં સીજીઆરપી બ્લૉકર્સે તેમને છ મહિના માટે માઇગ્રેનમાંથી રાહત અપાવી હતી, પણ તે પછી માઇગ્રેને વધુ તીવ્રતા સાથે ઊથલો માર્યો હતો. ડેનિયલ્સ વેસ્ટુબ્યુલર માઇગ્રેનથી પીડાય છે, જેનો અર્થ એ કે, માઇગ્રેનનો હુમલો આવતાં તેમનું સંતુલન બગડી જાય છે.

તેમને એટલું ભયાનક માઇગ્રેન હતું કે, તેઓ ભાગ્યે જ ઘરની બહાર નીકળી શકતાં હતાં. તેમના જણાવ્યા પ્રમાણે, માઇગ્રેનને લીધે “તેમને અસહ્ય પીડા થતી હતી.” તેઓ કહે છે, “હું સીધી રેખામાં ચાલી નહોતી શકતી, કાર નહોતી ચલાવી શકતી, હું ઘરની બહાર સુધ્ધાં નીકળી શકતી નહોતી. તે ખરેખર ઘણું ભયાનક હતું.”

માઇગ્રેનથી પીડાતા ઘણા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. કેટલાક દર્દીઓને સીજીઆરપી સારવારથી એટલો બધો ફાયદો થાય છે કે, તેઓ “સુપર-રિસ્પોન્ડર્સ” તરીકે ઓળખાય છે, જ્યારે અન્ય દર્દીઓને તેનાથી કોઈ લાભ થતો નથી.

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

નવી દવાઓનું ટૂંક સમયમાં આગમન

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તેમ છતાં, સીજીઆરપીની શોધ નવા પ્રકારની દવાઓ માટેનો માર્ગ મોકળો કરી રહી છે.

પેકેપ (અથવા પિચ્યુટરી એડેનાઇલેટ સાઇક્લેઝ-ઍક્ટિવેટિંગ પોલિપેપ્ટાઇડ) જેવા અન્ય ન્યૂરોપેપ્ટાઇડ્ઝ માઇગ્રેનમાં ભાગ ભજવતા હોવાનું જોવા મળ્યું છે.

જોકે, પેકેપ એક અલગ પ્રકારના પેપ્ટાઇડ્ઝ છે, જે રિસેપ્ટર્સના એક અલગ સમૂહથી ન્યૂરોન્સ સાથે જોડાય છે, તેમ છતાં માઇગ્રેનના દર્દીઓને પેકેપનું ઇન્જેક્શન આપવાથી ઘણી વખત માઇગ્રેન ઍટેક આવે છે, જ્યારે પેકેપ ઍન્ટિબોડીથી રાહત મળતી હોય છે.

પ્રધાન કહે છે કે, એવું લાગે છે કે, માઇગ્રેનને સક્રિય કરવા અને બંધ કરવા માટે ઘણી આણ્વિક સ્વિચ હોઈ શકે છે.

વાસોઍક્ટિવ ઇન્ટેસ્ટાઇનલ પોલીપેપ્ટાઇડ જેવા પેપ્ટાઇડ્ઝ તથા ઊંઘની ક્રિયા સાથે સંકળાયેલા – ઓરેક્સિન તરીકે ઓળખાતા પેપ્ટાઇડ્ઝ હાલમાં ચાલી રહેલાં ક્લિનિકલ ટ્રાયલ્સ હેઠળની નવી દવાઓનાં લક્ષ્ય છે.

બ્રિટનની કિંગ્ઝ કૉલેજ લંડનના ન્યૂરોલૉજીના પ્રોફેસર પિટર ગોડ્ઝબીના મતે, “પેપ્ટાઇડ દવાઓએ સાધેલો વિકાસ અત્યારે ઘણો ચર્ચાસ્પદ બન્યો છે.” મહત્ત્વની વાત એ છે કે, આ પેપ્ટાઇડ આધારિત દવાઓ ચાલી રહેલા ઍટેકને અટકાવવામાં કારગત નીવડે છે, એટલું જ નહીં બલકે, માઇગ્રેનના ઍટેકને ઊગતો જ ડામવા માટેની નિવારણાત્મક દવાઓ તરીકે પણ તેમનો ઉપયોગ કરી શકાય છે. માઇગ્રેનની મોટા ભાગની સારવારો આમાંથી એક યા તો બીજું કામ કરે છે.

ગોડ્ઝબી કહે છે, “આ દવાઓને કારણે ઉપચાર ક્ષેત્રે પ્રગતિ જોવા મળી રહી છે અને સાથે જ તેના કારણે આપણને સીમિત વિચારણામાંથી બહાર નીકળીને આપણી વિચાર પ્રક્રિયાને ઘણા અંશે વિકસિત કરવાની પ્રેરણા મળી છે.”

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

માઇગ્રેનના અનોખા ઉપચારો

તાજેતરમાં જ એક અનુભૂતિ પરથી અન્ય એક ગતિવિધિ સામે આવી કે, સામાન્યપણે કૉસ્મેટિક હેતુ માટે વપરાતું ઉત્પાદન માઇગ્રેનથી પીડાતા લોકોને રાહતનો અનુભવ કરાવી શકે છે.

બોટોક્સમાં બોટુલિનમ નામના બૅક્ટેરિયા થકી ઉત્પન્ન થતા ટોક્સિન (ઝેર)નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ટોક્સિનનાં ઇન્જેક્શન્સ લેનારા માઇગ્રેનના દર્દીઓમાં માઇગ્રેનનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે.

કિસૂન કહે છે તેમ, દર્દીઓ માટે આ વધુ અસરકારક સારવાર છે. તેઓ તેમના દર્દીઓને વર્ષ દરમિયાન બેથી ત્રણ વખત માથા અને ગરદનની આસપાસ 25થી 33 ઇન્જેક્શન્સ લગાવે છે.

પહેલાં તો વિજ્ઞાનીઓએ વિચાર્યું કે, કૉસ્મેટિક બોટોક્સ માટે આવતા દર્દીઓને માથાના દુખાવામાં રાહત થઈ હોવાનું કારણ એ હતું કે, ટોક્સિન (ઝેર)ના કારણે તેમના ચહેરા અને માથાની માંસપેશીઓ હળવી થઈ જાય છે. પણ વધુ સંશોધનના આધારે માલૂમ પડ્યું કે, ઇન્જેક્શન્સ વાસ્તવમાં સંવેદનાત્મક ચેતાતંતુઓમાં મુક્ત થતા સીજીઆરપીને અવરોધે છે.

અમુક કિસ્સાઓમાં ગંભીર માઇગ્રેનથી પીડાતા દર્દીઓમાં માઇગ્રેન ઍટેક આવવાના પ્રમાણમાં ઓછામાં ઓછો 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળે છે.

રસપ્રદ વાત એ છે કે, સારવારથી દર્દીને રાહત થતી હોવાની સાથે-સાથે તેમના મસ્તિષ્કની સંરચનામાં પણ ફેરફાર થતો હોવાનું જણાય છે. (યાદ રહે, માઇગ્રેન માટે બોટોક્સનાં ઇન્જેક્શન્સ માઇગ્રેન વિશેષજ્ઞ દ્વારા અપાવાં જોઈએ, જેથી તેનો સલામત ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે).

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

માઇગ્રેનની વિવિધ સારવારો

જે લોકો પર દવાની અસર નથી થતી અથવા તો ગર્ભવતી મહિલાઓ જેવા જે દર્દીઓ દવાઓ ન લઈ શકતા હોય, તેમના માટે માઇગ્રેનની વિવિધ યાંત્રિક સારવારો વધી રહી છે.

જેમકે, ન્યૂરોમૉડ્યુલેશન ઉપકરણ માથાના દુખાવા સાથે જોડાયેલી નસોને ઉત્તેજિત કરવા માટે તથા તેની માલિશ કરવા માટે નાનાં વિદ્યુત કે ચુંબકીય સ્પંદનોનો ઉપયોગ કરે છે. કિસૂન જણાવે છે, “આ ઉપકરણ વર્ષોથી સક્રિય અને એકમેક સાથે જોડાયેલા પીડા જન્માવતા માર્ગોને તોડે છે અને તેમને વ્યવસ્થિત અને સમાયોજિત કરે છે.”

આ ઉપકરણો વિવિધ પ્રકારનાં કદ, આકાર અને પદ્ધતિઓ ધરાવે છે. ડેનિયલ્સ વેગસ નસને ઉત્તેજિત કરતા અને ગરદનની માલિશ કરતા ઉપકરણનો ઉપયોગ કરે છે.

તેઓ કહે છે, “મારા માટે તે સુરક્ષા કવચ છે.” શરૂઆતમાં તેમણે ન્યૂરોમૉડ્યુલેશન ઉપકરણ ખરીદ્યું હતું, પણ હવે તેઓ તેમના અનુભવો સોશિયલ મીડિયામાં વર્ણવવા બદલ ઉત્પાદક પાસેથી તેની સાથે વાપરવા માટેનાં કેટલાંક ઉત્પાદનો મફત મેળવે છે.

તેઓ માઇગ્રેનના ઍટેકને અટકાવવા માટે ત્રણ વખત બે-બે મિનિટ મસાજ કરે છે અને રોજ નિવારણના ઉપાય તરીકે પણ તેનો ઉપયોગ કરે છે. તેના ઉપયોગની સાથે જીવનશૈલીમાં પણ કેટલાક મહત્ત્વના ફેરફારો કરવાથી માથાના દુખાવાના આવર્તનમાં અને તીવ્રતામાં સારો એવો ઘટાડો થઈ ગયો હોવાનું તેમનું માનવું છે.

અન્ય ઉપાયોમાં માથા પર લગાવવામાં આવતા ઇલેક્ટ્રોડ પૅડ્ઝ, આર્મબેન્ડ્ઝ અને મુગટ જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. આ તમામ ઉપકરણોનો આશય મસ્તિષ્ક સુધી અને મસ્તિષ્કની અંદર જતી નસોને ઉત્તેજિત કરવાનો છે.

આ ઉપકરણો ન્યૂરોલૉજિકલ સમસ્યાનો સચોટ ઇલાજ ન હોવા છતાં, તે પૈકીનાં ઘણાં ઉપકરણોના ઉપયોગથી ઍટેકની સારવાર વખતે અને ઍટેક નિવારતી વખતે ઘણા દર્દીઓમાં આશાસ્પદ પરિણામો જોવા મળ્યાં છે.

પ્રધાન કહે છે, “મને લાગે છે કે, તેમનું લક્ષ્ય શું છે, તે હજુયે અસ્પષ્ટ છે. પણ મારું માનવું છે કે, આ ઉપકરણો આશાસ્પદ છે અને એવું લાગે છે કે, તેમનો અવકાશ હજુ વિસ્તારી શકાય છે.” (આ તમામ ઉપકરણો ઘણાં મોંઘાં છે અને વિશ્વમાં દરેક જગ્યાએ તેમને મંજૂરી નથી મળી.)

ગંભીર માઇગ્રેનથી પીડાતા દર્દીઓના માથાના પાછળના ભાગે આવેલી ઑક્સિપિટલ નસોને ઉત્તેજિત કરવા માટે ઇલેક્ટ્રોડ્ઝ ઇમ્પાલન્ટ કરવામાં આવે છે. જોકે, આ અભિગમનાં પરિણામો સંદિગ્ધ રહ્યાં છે, કારણ કે, ઘણા દર્દીઓના ઇલેક્ટ્રોડ્ઝ કાઢવા પડ્યા હતા કે પછી તેમણે ઍલર્જીક રિએક્શન્સનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય વિજ્ઞાનીઓ એવું ઉપકરણ વિકસાવી રહ્યા છે, જે કેથેટરની મદદથી દર્દીના નાકમાં દાખલ કરવામાં આવે છે અને તેનું કંપન કરતું બલૂન માઇગ્રેનનું દરદ ઓછું કરે છે.

આ મશીન નાકની પાછળ રહેલા તંત્રિકા કોષો અને ટ્રાઇજેમિનલ તંત્રિકાને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવ્યું છે, પણ તેમાં પીડા કેવી રીતે ઓછી થાય છે, તે સ્પષ્ટ હોતું નથી. એક સિદ્ધાંત એ છે કે, કંપન મસ્તિષ્કનું રક્ષણ કરતી મોટી થેલી મેનિન્ગિયલ મેમ્બ્રેનની અંદર સોજો ઘટાડીને માઇગ્રેનના ઍટેકને શાંત કરવામાં મદદરૂપ બને છે.

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

માઇગ્રેન વિશે વિચારવાની પદ્ધતિમાં હજુ ફેરફાર

માઇગ્રેન, માથાનો દુખાવો, સ્વાસ્થ્ય, હેલ્થ, આધાશીશી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર, માઇગ્રેનની સારવાર માટે એકસમાન પદ્ધતિ કદાચ તમામ લોકોને લાગુ પડતી નથી.

ગોડ્ઝબી કહે છે, “હું આ સમગ્ર પ્રક્રિયાને પુસ્તકો રાખવાના કબાટ તરીકે જોઉં છું. આ કબાટમાં પરંપરાગત દવાઓ છે, આધુનિક દવાઓ છે, ન્યૂરોમૉડ્યુલેશન છે. તમે કયું પુસ્તક વાંચવા માગો છો, તે નક્કી કરતાં પહેલાં આપણે એ નક્કી કરવું પડશે કે, તમે કબાટનો કયો ભાગ જોવા માગો છો.”

કેટલાક વિજ્ઞાનીઓના મતે, માઇગ્રેન વિશે વિચારવાની પદ્ધતિમાં હજુ ફેરફાર કરવાની જરૂર છે – એક એવું પરિવર્તન, જે કેવળ અણુઓ, મેમ્બ્રેન્સ અને રક્તવાહિનીઓને નથી જોતું, સમગ્ર મસ્તિષ્કને જોતું હોય, ઍટેક ન આવતો હોય, ત્યારે પણ.

“જો આપણે આ ક્ષેત્રને આગળ ધપાવવા વિશે અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા વિશે વાત કરી રહ્યા હોઈએ, તો આપણે વિચારવું જોઈએ કે, જો કોઈ વ્યક્તિને માઇગ્રેન હોય, તો તે એક લાંબા ગાળાની સમસ્યા છે,” એમ મોન્ટેથ જણાવે છે.

નિદ્રા, આહાર અને ફિટનેસ સંબંધિત ફેરફારોની સાથે-સાથે જ્ઞાનાત્મક વ્યવહાર ઉપચાર, આરામની થૅરપી અને માઇન્ડફુલનેસ જેવી મનોવૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિઓને પણ માઇગ્રેનગ્રસ્ત વ્યક્તિની સારવારમાં સામેલ કરવામાં આવી રહી છે.

જેમકે, ડેનિયલ્સ તેમના વેસ્ટિબ્યુલર લક્ષણો માટે ફિઝિયોથૅરપી કરાવે છે, માનસિક આરોગ્યનું ધ્યાન રાખે છે, સક્રિય રહે છે અને રોજ વ્યાયામ કરે છે, ધ્યાન કરે છે, પ્રકૃતિ સાથે સમય પસાર કરે છે તેમજ તંદુરસ્ત આહાર અને પૂરતી માત્રામાં પાણી પીવાને પ્રાથમિકતા આપે છે.

તેઓ કહે છે તેમ, કોઈ એક બાબત માઇગ્રેનનાં લક્ષણોને દૂર રાખવા મદદરૂપ નથી બનતી. “આ બધી બાબતો એક કોયડાના જુદા-જુદા ભાગ જેવી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS