Home તાજા સમાચાર gujrati અમેરિકા અને ઈરાનમાંથી કોણ કેટલું શક્તિશાળી, યુદ્ધ લાંબું ચાલે તો કોને વધુ...

અમેરિકા અને ઈરાનમાંથી કોણ કેટલું શક્તિશાળી, યુદ્ધ લાંબું ચાલે તો કોને વધુ નુકસાન થશે?

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ઈરાન યુદ્ધ અમેરિકા પેટ્રિયટ મિસાઇલ ડ્રોન ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ હથિયારો

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે તેમના દેશ પાસે શક્તિશાળી હથિયારોનો ‘લગભગ અસીમિત પુરવઠો’ છે.

જ્યારે ઈરાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે તેમની પાસે “દુશ્મન દેશનો લાંબા સમય સુધી મુકાબલો કરવાની ક્ષમતા” છે.

પરંતુ માત્ર હથિયારોના ભંડાર અને પુરવઠાના આધારે જ યુદ્ધનું પરિણામ નક્કી નથી થતું.

યુક્રેન પાસે રશિયા કરતાં ઓછાં હથિયાર અને ઓછા સૈનિકો હોવા છતાં લાંબા સમયથી તેની સામે લડી રહ્યું છે.

આમ છતાં યુદ્ધમાં આધુનિક હથિયારોનો ભંડાર અને પુરવઠો મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે આ યુદ્ધની શરૂઆતથી જ બહુ ઝડપથી હુમલા કરવામાં આવ્યા છે.

બંને પક્ષ જે ઝડપથી હથિયારોનો ઉપયોગ કરે છે, એટલી ઝડપથી તેનું ઉત્પાદન નથી થઈ શકતું.

તેલ અવીવસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફૉર નૅશનલ સિક્યૉરિટી સ્ટડીઝ (આઇએનએસએસ)ના અંદાજ મુજબ અમેરિકા અને ઇઝરાયલ અત્યાર સુધીમાં 2000થી વધારે હુમલા કરી ચૂક્યા છે, જેમાં અનેક પ્રકારનાં હથિયારોનો ઉપયોગ થયો છે.

આઇએનએસએસ મુજબ ઈરાને અત્યાર સુધીમાં 571 મિસાઇલો અને 1391 ડ્રોન વાપરી નાખ્યાં છે.

તેમાંથી ઘણાં હથિયારોને હવામાં જ તોડી પાડવામાં આવ્યાં હતાં, પરંતુ આ સ્તરની લડાઈને લાંબો સમય ટકાવી રાખવી બંને પક્ષ માટે મુશ્કેલ બનશે.

ઈરાનની મિસાઇલ ક્ષમતા કેવી છે?

બીબીસી ગુજરાતી ઈરાન યુદ્ધ અમેરિકા પેટ્રિયટ મિસાઇલ ડ્રોન ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ હથિયારો

ઇમેજ સ્રોત, Getty Images

પશ્ચિમી દેશોના અધિકારીઓનું કહેવું છે કે ઈરાન દ્વારા છોડવામાં આવતી મિસાઇલોની સંખ્યા ઘટી છે.

યુદ્ધના પહેલા દિવસે ઈરાને સેંકડો મિસાઇલો ફાયર કરી, હવે અમુક ડઝન મિસાઇલ છોડે છે.

યુદ્ધ અગાઉ અનુમાન હતું કે ઈરાન પાસે ઓછા અંતરની 2000થી વધારે બૅલેસ્ટિક મિસાઇલો છે.

કોઈ પણ દેશ પોતાની પાસેનાં હથિયારોનો સાચો આંકડો જાહેર નથી કરતો, જેથી કરીને દુશ્મનને અંધારામાં રાખી શકાય.

અમેરિકાના ટોચના સૈન્ય કમાન્ડર જનરલ ડેન કેને કહ્યું કે શનિવારે યુદ્ધ શરૂ થયું તે વખતે પ્રથમ દિવસની તુલનામાં ઈરાનની બૅલેસ્ટિક મિસાઇલોનું લૉન્ચિંગ 86 ટકા ઘટી ગયું છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ) મુજબ છેલ્લા 24 કલાકમાં મિસાઇલ લૉન્ચિંગમાં 23 ટકાનો ઘટાડો થયો છે.

અગાઉ એવું માનવામાં આવતું હતું કે ઈરાન પાસે અમુક હજાર ‘શાહેદ વન-વે ઍટેક’ ડ્રોન મિસાઇલ તૈયાર છે.

આ ટૅક્નૉલૉજી તેણે રશિયાને પણ આપી છે, જેનો યુક્રેન સામે ઉપયોગ થાય છે. અમેરિકાએ પણ આ ડિઝાઇનની નકલ કરી છે.

પરંતુ જનરલ કેન મુજબ સંઘર્ષના પહેલા દિવસ પછી ઈરાનના ડ્રોન હુમલામાં 73 ટકાનો ઘટાડો થયો છે.

બીબીસી ગુજરાતી ઈરાન યુદ્ધ અમેરિકા પેટ્રિયટ મિસાઇલ ડ્રોન ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ હથિયારો

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાનને ઝડપી હુમલા ચાલુ રાખવામાં મુશ્કેલી પડી રહી હોય એવું લાગે છે.

જોકે, ઈરાન પોતાનાં હથિયારોનો જથ્થો જાળવી રાખવા માટે જાણીજોઈને ઓછા હુમલા કરતું હોય તે શક્ય છે, પરંતુ પ્રોડક્શન જાળવી રાખવું એ હવે મુશ્કેલ બનશે.

અમેરિકા અને ઇઝરાયલનાં ફાઇટર વિમાનોએ હાલમાં ઈરાન પર હવાઈ વર્ચસ્વ મેળવી લીધું છે.

ઈરાનની મોટા ભાગની ઍર ડિફેન્સ સિસ્ટમ હવે નષ્ટ થઈ ચૂકી છે. ઍર ડિફેન્સ સિસ્ટમ ખતમ થઈ ગઈ છે. તેની વાયુસેના પણ હવે સક્ષમ નથી રહી.

સેન્ટકૉમ મુજબ હવે ઈરાનનાં મિસાઇલ અને ડ્રોન લૉન્ચર, હથિયારોના ભંડાર અને પ્રોડક્શન ફૅક્ટરીઓને નિશાન બનાવવાનું લક્ષ્ય રહેશે.

અમેરિકા અને ઇઝરાયલ માટે હવે ઈરાનની લડવાની ક્ષમતા નબળી પાડવાનું સરળ બની શકે છે, પરંતુ હજુ પણ તેનાં તમામ હથિયારોનો ખતમ કરવા મુશ્કેલ રહેશે.

ઈરાનનો વિસ્તાર ફ્રાન્સ કરતાં ત્રણ ગણો મોટો છે. હથિયારોને જમીનમાં છુપાવી પણ શકાય છે.

તાજેતરના ઇતિહાસમાં જોવા મળશે કે માત્ર હુમલા કરવાથી યુદ્ધને સંપૂર્ણપણે જીતી શકાતું નથી.

ત્રણ વર્ષથી વધુ સમય સુધી ભારે બૉમ્બમારો કરવા છતાં ઇઝરાયલ ગાઝામાં હમાસને સંપૂર્ણપણે ખતમ કરી શક્યું નથી.

તેવી જ રીતે અમેરિકાએ એક વર્ષ સુધી બૉમ્બમારો કર્યો છતાં હૂતી બળવાખોરો ટકી રહ્યા હતા.

અમેરિકાનાં હથિયારો

બીબીસી ગુજરાતી ઈરાન યુદ્ધ અમેરિકા પેટ્રિયટ મિસાઇલ ડ્રોન ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ હથિયારો

ઇમેજ સ્રોત, U.S. Navy via Getty Images

અમેરિકા પાસે દુનિયાની સૌથી મોટી તાકાત છે. તેમનાં પરંપરાગત હથિયારોનો ભંડાર બીજા દેશો કરતાં મોટો છે.

પરંતુ અમેરિકાની સેના મુખ્યત્વે મોંઘાં અને ગાઇડેડ હથિયારો પર નિર્ભર કરે છે, જેનું ઉત્પાદન મર્યાદિત પ્રમાણમાં થાય છે.

એવા અહેવાલ છે કે ટ્રમ્પે સંરક્ષણ કંપનીઓની બેઠક બોલાવી છે, જેથી ઝડપથી ઉત્પાદન કરી શકાય. તેના પરથી સંકેત મળે છે કે અમેરિકાને પણ રિસોર્સની તંગી હોઈ શકે છે.

હવે અમેરિકાને નજીકથી હુમલા કરવાની થોડી સ્વતંત્રતા મળી છે, તેથી થોડું દબાણ ઓછું થયું છે.

જનરલ કેને જણાવ્યું કે અમેરિકા હવે મોંઘાં અને લાંબા અંતરનાં હથિયારો, જેમ કે ટૉમહૉક ક્રૂઝ મિસાઇલની જગ્યાએ ઓછાં મોંઘાં હથિયારોનો ઉપયોગ કરે છે.

અમેરિકન ઍરફોર્સ હવે જીડીએએમ બૉમ્બનો ઉપયોગ કરે છે, જેને સીધા લક્ષ્યની ઉપરથી ફેંકી શકાય છે.

વૉશિંગ્ટનસ્થિત સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ (સીએસઆઇએસ)ના ભૂતપૂર્વ મરીન કર્નલ માર્ક કેન્સિયનનું કહેવું છે કે શરૂઆતમાં લાંબા અંતરના હુમલા પછી અમેરિકા હવે ઓછા ખર્ચાળ મિસાઇલ અને બૉમ્બનો ઉપયોગ કરી શકે છે.

તેમનું માનવું છે કે અમેરિકા આ સ્તરની લડાઈ ‘લગભગ અનિશ્ચિત મુદત’ સુધી ચાલુ રાખી શકે છે.

યુદ્ધ જેમ જેમ લાંબું ચાલશે, તેમ તેમ ટાર્ગેટની સંખ્યા ઘટતી જશે. તેથી હુમલાની ઝડપ ધીમે ધીમે ઘટી શકે છે.

ઍર ડિફેન્સ સિસ્ટમની મહત્ત્વની ભૂમિકા

બીબીસી ગુજરાતી ઈરાન યુદ્ધ અમેરિકા પેટ્રિયટ મિસાઇલ ડ્રોન ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ હથિયારો

ઇમેજ સ્રોત, Fatemeh Bahrami/Anadolu via Getty Images

માર્ક કેન્સિયન મુજબ અમેરિકા પાસે અનેક હજાર જેડીએએમ બૉમ્બ છે, પરંતુ મોંઘી ઍર ડિફેન્સ સિસ્ટમની સંખ્યા મર્યાદિત છે.

સંઘર્ષના શરૂઆતના તબક્કામાં ઈરાનના જવાબી હુમલા રોકવા માટે તેની જરૂર પડી હતી.

પેટ્રિયટ મિસાઇલોની બહુ વધારે માગ છે. માત્ર અમેરિકા જ નહીં, પરંતુ તેના આરબ સહયોગીઓ અને યુક્રેનને પણ તેની જરૂર છે.

દરેક ઇન્ટરસેપ્ટર મિસાઇલ 40 લાખ ડૉલરથી વધુમાં પડે છે અને અમેરિકા દર વર્ષે આવી લગભગ 700 મિસાઇલનું ઉત્પાદન કરે છે.

ઈરાન બૅલેસ્ટિક મિસાઇલો ફાયર કરતું રહેશે તો આ મર્યાદિત જથ્થો ઝડપથી ઘટી શકે છે.

સીએસઆઇએસના નિષ્ણાત કેન્સિયન મુજબ અમેરિકા પાસે લગભગ 1600 પેટ્રિયટ મિસાઇલો હોઈ શકે છે, જેની સંખ્યા હાલના દિવસોમાં ઘટી હશે.

તેમનું કહેવું છે કે હવાઈ હુમલા લાંબો સમય ચાલુ રાખી શકાય છે, પરંતુ ઍર ડિફેન્સની લડાઈ “અનિશ્ચિત” હોય છે.

તેઓ કહે છે કે “જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પેટ્રિયટ મિસાઇલોની સંખ્યા ઘટાડવા તૈયાર થાય, તો આપણે ઈરાન સાથે યુદ્ધમાં લાંબો સમય ટકી શકીએ છીએ, પરંતુ તેનાથી પેસિફિક ક્ષેત્રમાં સંભવિત સંઘર્ષનું જોખમ વધી જશે.”

આ અઠવાડિયે ટ્રમ્પ અમેરિકાની ડિફેન્સ કંપનીઓ સાથે બેઠક કરવાના છે, તે દર્શાવે છે કે હથિયારોના ભંડારને લઈને કંઈક ચિંતા જરૂર છે.

પરંતુ અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેથસેગ કહે છે, “ઈરાન અમને પાછળ નહીં છોડી શકે.”

આ મામલે કદાચ તેઓ સાચા હોઈ શકે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS